તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
સંઘપ્રદેશ દમણ પ્રશાસનની નવીન પહેલ : પ્રવાસીઓ અને સ્થાનિકો માટે સંપૂર્ણ મફત 'સિટી બસ સર્વિસ'ની શરૂઆત
લોકો પોતાના અંગત વાહનોને બદલે આ મફત બસ સેવાનો ઉપયોગ કરાતા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટવા સાથે ઇંધણની ખપતમાં નોંધપાત્ર ઘટાડો

વૈશ્વિક સ્તરે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ અને ઇંધણની વધતી જતી કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. આ અપીલને દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે, ત્યારે સંઘ પ્રદેશ દમણના પ્રશાસને એક અત્યંત પ્રશંસનીય અને નવીન પહેલ હાથ ધરી છે.
દમણ પ્રશાસન દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિકો માટે સંપૂર્ણપણે મફત 'સિટી બસ સર્વિસ'ની શરૂઆત કરવામાં આવી છે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટાડીને ઇંધણની બચત કરવાનો છે. દમણના ૭ મુખ્ય રૂટ પર આ બસો વહેલી સવારથી લઈને રાત સુધી સતત કાર્યરત રહેશે, જેનાથી શહેરના દરેક ખૂણાને આવરી લેવામાં આવશે.
દમણમાં આવતા પ્રવાસીઓ અને ત્યાંના સ્થાનિક નાગરિકો આ પહેલને ખૂબ જ ઉત્સાહ સાથે વધાવી રહ્યા છે. પહેલા જે લોકો પોતાના અંગત વાહનો લઈને બહાર નીકળતા હતા, તેઓ હવે આ મફત બસ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટ્યું છે અને ઇંધણની ખપતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
સ્થાનિક જન પ્રતિનિધિઓ પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે પર્યાવરણ અને દેશના હિતમાં પોતપોતાના વાહનો ઘરે મૂકીને આ સામૂહિક પરિવહન વ્યવસ્થાનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ઇઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને પગલે વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની કિંમતો અને ઉપલબ્ધતા પર જે અસર પડી છે, તેને ધ્યાનમાં રાખતા દમણની આ પહેલ સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
જનભાગીદારી અને વહીવટી તંત્રના આવા સાહસિક નિર્ણયો ચોક્કસપણે દેશને આર્થિક અને ઊર્જા સંકટમાંથી બહાર લાવવામાં મદદરૂપ સાબિત થશે. દમણની આ 'ફ્રી બસ સર્વિસ' માત્ર પ્રવાસ માટે જ નહીં, પણ રાષ્ટ્ર નિર્માણની દિશામાં એક મહત્વનું પગલું બની રહી છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
