<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

સાગબારા સહિત નર્મદા વન વિભાગની લાપરવાહી ઉઘાડી પડી: સાગબારા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં 1 હજારથી વધુ નાગ, ધામણ પકડાયા

સ્થાનિક યુવાન જીવના જોખમે મેદાને ઉતરી નાગ, નાગણ, કોબ્રા, ધામણ જેવા સાપો પકડે છે છતાં સરકાર દ્વારા કોઈજ પ્રોત્સાહન નહિ !!:સાગબારા ખાતે જિલ્લા કક્ષાની 15 મી ઓગસ્ટના દિનની ઉજવણી દરમ્યાન સન્માનપત્ર આપવા કહી ફરી જતું વહિવટી તંત્ર: કલાકો સુધી બેસાડ્યા બાદ પણ સન્માનપત્ર માટે નામ ન બોલાતા યુવક નાસીપાસ થઇ ઘરે જતા રહ્યા હતા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લના સાગબારા તાલુકાના ગામો સહિત આજુબાજુના વિસ્તારના ગામોમાં અત્યંત ઝેરી નાગ, સાપ, ધામણ રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા કે નીકળતા હોય ત્યારે ભારે અફરાતફરી અને ગભરાહટ  નો માહોલ સર્જાય છે.તેવા સમયે વન વિભાગનો એકપણ કર્મચારી કે કાયદેસરની રેસ્ક્યુ ટિમ ઘટના સ્થળે ફરકતી પણ નથી.સરકારી ચોપડે કર્મચારીઓની તાલીમ, વૃક્ષારોપણના નામે લાખો રૂપિયાનું બજેટ પચાવી પાડતું નર્મદા વન વિભાગ વાસ્તવિક્તા મા કેટલું પાંગળુ અને નિષ્ક્રિય છે તેનો એક કિસ્સો તાજેતરમાં જ સામે આવ્યો છે.
   આખરે સ્થાનિક લોકો પોતાના જીવ જોખમમાં મુકાતો જોઈ સેલંબા ગામના યુવાન પ્રહલાદ ઓમકાર નરવાડે નો સંપર્ક કરવો પડતો હોય છે. આ યુવક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે તકેદારી સાથે આવા ઝેરી સાપ, નાગ કે પછી કોબ્રા કે ધામણ ને પકડી સફળ રેસ્ક્યુ કરી તેમને કુદરતી વાતાવરણમાં મુક્ત કરતા હોય છે. પણ અહીં સૌથી વેધક સવાલ એ છે કે આવા બનાવો બને છે ત્યારે વન વિભાગના કર્મચારીઓ ક્યાં ઊંઘી રહ્યા હોય છે? થોડા દિવસ પહેલા પણ સાગબારા ન્યાયાલય ખાતે જજ સાહેબના ઘર પાસેથી પણ આ યુવક પ્રહલાદ નરવાડે દ્વારા એક ઝેરી નાગ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને કુદરતી વાતાવરણ માં મુક્ત કરાયો હતો.છેલ્લા કેટલાક વર્ષોથી પ્રહલાદ નરવાડે આવા વન્યજીવોનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરે છે. તાલુકાના ગામો હોય કે પછી આજુબાજુના વિસ્તારના ગામો લોકો તેમને બોલાવે છે.ત્યારે આ સ્થાનિક યુવાન પોતાના જીવના જોખમે મેદાનમાં ઉતરે છે.આ યુવકને રોજના ત્રણ ચાર કોલ આવે છે,  આવા વન્યજીવો પકડવા માટે ત્યારે ક્યારેય તેમને આ કાર્ય માટે કોઈને આજદિન સુધી ના સુદ્ધા પાડી નથી.
વનકર્મીઓને વાઈલ્ડલાઈફ રેસ્ક્યુની આધુનિક તાલીમ આપવાના નામે જે સરકારી નાણાંનો ધુમાડો કરવામાં આવે છે, તે તમામ ગ્રાન્ટો આખરે જાય છે ક્યાં ? આ સ્થાનિક પ્રહલાદ નરવાડે દ્વારા છેલ્લા એક વર્ષમાં 1 હજારથી વધુ સાપ, નાગ, કોબ્રા કે ધામણ જેવા ઝેરી વન્ય જીવોનું રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કરી લોકોના.જીવ બચાવ્યા છે જે પણ નિસ્વાર્થ ભાવે છતાં આ સ્થાનિક યુવકને પ્રોત્સાહિત કરવા એક સન્માનપત્ર શુદ્ધા સરકાર તરફથી આપવામાં આવ્યું નથી.સાગબારા ખાતે જિલ્લા કક્ષાની 15 મી ઓગસ્ટના દિનની ઉજવણી દરમ્યાન સન્માનપત્ર આપવા કહી વહિવટી તંત્ર ફરી ગયું હતું.ઉજવણી દરમિયાન યુવકને કલાકો સુધી બેસાડ્યા બાદ પણ સન્માનપત્ર માટે નામ ન બોલાતા યુવક નાસીપાસ થયો હતો અને વિલા મોઢે ઘરે પરત જતો રહ્યો હતો.
વર્ષો વીત્યા છતાં સાગબારા કે નર્મદા વન વિભાગ સાપ, નાગ, ધામણ કે કોબ્રા જેવા વન્ય જીવો કે પછી હિંસક પ્રાણીઓના રેસ્ક્યુ માટે પોતાની એક અધિકૃત અને સજ્જ ટિમ જાહેર કેમ કરી શક્યું નથી ? એસી કેબીનોમાં બેસીને માત્ર કાગળ ઉપર ઇકો સિસ્ટમ અને વન્યજીવ સંરક્ષણ ની વાતો કરતા ઉચ્ચ અધિકારીઓની આ ઘોર બેદરકારી ક્યાં સુધી ચાલશે ? શુ તંત્ર પોતાની જવાબદારી આ સ્થાનિક ખાનગી યુવકના માથે ઢોળી માત્ર તમાશો જોવામાં જ મશગુલ રહેશે ? જનતા હવે આ કાગળિયા વહીવટ અને સરકારી નાણાંના વેડફાટ સામે કડક હિસાબ માંગી રહી છે.
 આ બાબતે સ્થાનિક વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ કરનાર યુવક પ્રહલાદ ઓમકાર નરવાડે એ જણાવ્યું હતું કે સાગબારા ખાતે 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી કરવાની હોય તેના બે દિવસ પહેલા વન વિભાગના કર્મચારીઓ મારા ઘરે આવી મારા બે ફોટા સાથે ફોર્મ ભરી જણાવ્યું કે ઉજવણીમાં તમારું સન્માનપૂર્વક સ્વાગત કરી સન્માનપત્ર આપવામાં આવશે પરંતુ 15મી ઓગસ્ટના દિને કલાકો સુધી બેસાડી રાખ્યો અને ઉજવણી પૂર્ણ થઈ ત્યાં સુધી મારું નામ શુદ્ધા ન બોલાતા હું ઘરે જતો રહ્યો હતો.હું નિસ્વાર્થ ભાવે વગર પગારે મારી સેવાઓ આપું છું, મેં ક્યારેય મારા આવા કાર્ય માટે રૂપિયાની આશા રાખી નથી, છતાં મારી સાથે વન વિભાગે સારો અભિગમ દાખવ્યો નથી જેનું મને દુઃખ થયું છે.

(10:34 PM IST)