<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

નવસારી...સુરત સ્‍ટેટ હાઈવે બંધ : સુરતમાં અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા

મેઘરાજાની સટાસટી યથાવત : રાજ્‍યમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી ઉકાઇ ડેમમાં ૩,૪૬,૨૦૦ કયુસેક પાણીની આવક સાથે જળસપાટી ૩૨૦.૮૨ ફૂટે : આજે સવારે ૬ વાગ્‍યાથી ૧૦ વાગ્‍યા સુધીમાં ૧૮૭ તાલુકાઓમાં ૪ ઇંચ સુધીનો વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : મેઘરાજાની સટાસટી આજે સવારથી યથાવત રહી છે, વધુ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની નવી આગાહી અનુસાર રાજ્‍યમાં આગામી ૭ દિવસ ભારે વરસાદ રહેવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર ઉપરાંત પ્રજાજનોને વધુ ફાળ પડી છે.

ભારે વરસાદને પગલે સુરતના અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા છે. વરસાદના કારણે અનેક રસ્‍તાઓ બંધ થઈ ગયા છે,  રહેણાંક વિસ્‍તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે હજારો લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કીમ નદીમાં અચાનક જળસ્‍તર વધી જતાં  અનેક ગામોમાં નદીનું પાણી ઘરો સુધી પહોંચી ગયું છે,  કેટલાક વિસ્‍તારોમાં ઘરોની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્‍યો સામે આવ્‍યા છે.  મોડી રાત્રે પાણીમાં થયેલા એકાએક વધારાને કારણે લોકોને સુરક્ષિત સ્‍થળે ખસી જવાની ફરજ પડી હતી.

ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૧૦ કલાકે સતત વધી ને ૩૨.૮૨ ફૂટે પહોંચી છે ડેમમાં ૩,૪૬,૨૦૦ કયુસેક ભારે પાણીના ઈન્‍ફ્‌લો સામે ૮૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે તાપી નદીનું જળસ્‍તર પણ સતત વધી રહ્યું છે. તાપી નદી પરનો કોઝવે ૭.૯૦ મીટરની સપાટીએ ઓવરફ્‌લો થઈ રહ્યો છે. જ્‍યારે તેની ભયજનક સપાટી ૬ મીટર છે એટલે કે કોઝવે ભયજનક સપાટીથી ૧.૯૦ મીટર ઉપર વહી રહ્યો છે. કાકરાપાર ડેમમાંથી પાણીની આવક અને કેચમેન્‍ટ વિસ્‍તારમાં સતત વરસાદને કારણે નદીમાં આશરે ૨ લાખ કયુસેક જેટલી પાણીની આવક નોંધાઈ છે.

હાલમાં કોઝવે પરથી અંદાજે ૧.૧૬ લાખ કયુસેક પાણી વહી રહ્યું છે. કોસંબાથી કીમને જોડતો ગાયકવાડી માર્ગ વરસાદી પાણી અને કીમ નદીના પાણી ફરી વળતા સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. સુરત પંથકનુ માંગરોળ તાલુકાનું ભાટકોલ ગામ ચારેય તરફથી પાણીથી ઘેરાઈ જતાં જાણે બેટમાં ફેરવાઈ ગયું છે , અનેક ઘરો અને રસ્‍તાઓ પાણીમાં ગરકાવ થતાં ગામનો અન્‍ય વિસ્‍તારો સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ બાદ હવે ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.

જ્‍યારે નવસારી શહેરમાં પણ અનેક વિસ્‍તારમાં ભારે પાણી ફરી વળ્‍યા છે, પરિસ્‍થિતિને કારણે નવસારી-સુરત સ્‍ટેટ હાઈવે બંધ કરવામાં આવ્‍યો છ. વેરાવળ જકાત નાકાથી APMC સુધીના માર્ગ પર પાણી ફરી વળતાં વાહન વ્‍યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. સુરત નોકરી-ધંધાએ આવન-જાવન કરતા હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફ્‌લડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્‍યાથી લઈ ને ૧૦ વાગ્‍યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો

નર્મદા - તિલકવાડા - ૯૯ મીમી (૩.૯૦ ઇંચ), નર્મદા - ગરુડેશ્વર - ૭૫ મીમી (૨.૯૫ ઇંચ), નર્મદા - નાંદોદ - ૬૪ મીમી (૨.૫૨ ઇંચ), ભરૂચ - ભરૂચ - ૪૪ મીમી (૧.૭૩ ઇંચ), છોટાઉદેપુર - નસવાડી - ૪૧ મીમી (૧.૬૧ ઇંચ), ભરૂચ - ઝગડિયા - ૪૦ મીમી (૧.૫૭ ઇંચ), વડોદરા - ડભોઈ - ૩૭ મીમી (૧.૪૬ ઇંચ), વડોદરા - સિનોર - ૩૭ મીમી (૧.૪૬ ઇંચ), નવસારી - નવસારી - ૩૩ મીમી (૧.૩૦ ઇંચ), ભરૂચ - અંકલેશ્વર - ૩૨ મીમી (૧.૨૬ ઇંચ), છોટાઉદેપુર - સંખેડા - ૩૧ મીમી (૧.૨૨ ઇંચ), દાહોદ - સંજેલી - ૨૮ મીમી (૧.૧૦ ઇંચ), અમદાવાદ - વિરમગામ - ૨૭ મીમી (૧.૦૬ ઇંચ), ભરૂચ - વાગરા - ૨૭ મીમી (૧.૦૬ ઇંચ), વલસાડ - નાનાપોંઢા - ૨૭ મીમી (૧.૦૬ ઇંચ), આણંદ - બોરસદ - ૨૬ મીમી (૧.૦૨ ઇંચ), છોટાઉદેપુર - કવાંટ - ૨૬ મીમી (૧.૦૨ ઇંચ), સુરત - ઓલપાડ - ૨૫ મીમી (૦.૯૮ ઇંચ), વલસાડ - કપરાડા - ૨૫ મીમી (૦.૯૮ ઇંચ), અરવલ્લી - માલપુર - ૨૨ મીમી (૦.૮૭ ઇંચ), નવસારી - જલાલપોર - ૧૯ મીમી (૦.૭૫ ઇંચ), કચ્‍છ - મુન્‍દ્રા - ૧૮ મીમી (૦.૭૧ ઇંચ), વલસાડ - વાપી - ૧૮ મીમી (૦.૭૧ ઇંચ), વડોદરા - કરજણ - ૧૭ મીમી (૦.૬૭ ઇંચ), સુરત - ચોર્યાસી - ૧૭ મીમી (૦.૬૭ ઇંચ), દાહોદ - ગોવિંદ ગુરુ લીમડી - ૧૬ મીમી (૦.૬૩ ઇંચ) અને ભરૂચ - આમોદ - ૧૬ મીમી (૦.૬૩ ઇંચ) વરસાદ નોંધાયો છે.

(4:13 PM IST)