તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
નવસારી LCB નો જોરદાર સપાટો: રિક્ષામાં પેસેન્જરને બેસાડી દાગીના ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, બે રીઢા તસ્કરો લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા!
નંબર પ્લેટ વગરની રિક્ષા લઈને મહિલાઓને નિશાન બનાવતી ટોળકીનો ખેલ ખતમ: ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે ગોઠવી વોચ, 100 ટકા મુદ્દામાલ રિકવર કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા

નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેસેન્જર રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવી તેમના સોનાના દાગીનાની ચોરી કરતી ‘રિક્ષા ગેંગ’ સક્રિય થઈ હતી. આ ટોળકીએ પોલીસના નાકે દમ લાવી દીધો હતો, પરંતુ નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ અત્યંત ચતુરાઈ પૂર્વક જાળ બિછાવીને આ ગેંગના બે મુખ્ય સાગરીતોને દબોચી લીધા છે.
પોલીસની ફિલ્મી ઢબે કાર્યવાહી
નવસારી LCB ને ચોક્કસ બાતમી મળી હતી કે રિક્ષા ગેંગના સભ્યો નવસારી રિંગ રોડ રેલ્વે ગરનાળા પાસેથી પસાર થવાના છે. આ માહિતી મળતા જ પોલીસની ટીમે રિંગ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબની રિક્ષા દેખાતા જ પોલીસે તેને આંતરી હતી અને તેમાં સવાર મહેમદાવાદના ૨૬ વર્ષીય સલમાનખાન ઉર્ફે સલ્લુ પઠાણ અને ૨૯ વર્ષીય વિક્રમભાઈ દંતાણીની ધરપકડ કરી હતી.
ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ અત્યંત ચાલાકીથી કામ કરતી હતી. તેઓ પકડાઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ કાઢી નાખતા હતા જેથી સીસીટીવીમાં ઓળખ ન થાય. રિક્ષામાં મહિલા પેસેન્જર બેસે એટલે આ ટોળકીની મહિલા સાગરીત પેસેન્જરની નજર ચૂકવી ઘરેણાં સેરવી લેતી અને ત્યારબાદ કોઈ બહાનું કાઢી પેસેન્જરને રિક્ષામાંથી ઉતારી દઈ આ ગેંગ રફુચક્કર થઈ જતી હતી.
લાખોનો મુદ્દામાલ જપ્ત
LCB એ આરોપીઓ પાસેથી સોનાની લગડી, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી રિક્ષા મળી કુલ ₹ ૬,૯૨,૦૪૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાસ વાત એ છે કે પોલીસે ચોરી થયેલો ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. પકડાયેલા બંને શખ્સો રીઢા ગુનેગાર છે અને અગાઉ સાબરમતી, ઉંઝા, વાડજ અને મોડાસા જેવા વિસ્તારોમાં પણ ચોરીના ગુના આચરી ચૂક્યા છે.
મહિલા સાગરીત હજુ પણ ફરાર
આ કેસમાં હજુ એક આરોપી આશાબેન દેવીપુજક પોલીસ પકડથી દૂર છે, જે ચોરીના ગુનામાં આ બંને શખ્સોને મદદ કરતી હતી. નવસારી પોલીસે હાલમાં ફરાર મહિલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નવસારી પોલીસની આ કામગીરીથી જિલ્લામાં ભયનું વાતાવરણ ફેલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
