News of Saturday, 10th October 2026
નવરાત્રી પર્વ: રાજ્યભરમાં ૨૨ હજારથી વધુ ગરબા સ્થળોએ ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
મહિલાઓની સુરક્ષા માટે પરંપરાગત વેશભૂષામાં ‘શી-ટીમ’ તૈનાત રહેશે : અફવાઓ ફેલાવનારાઓ સામે સાયબર સેલ દ્વારા કડક કાર્યવાહી કરાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત ગરબાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના નાગરિકો નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તે હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના સંવેદનશીલ મહાનગરોથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી નોંધાયેલા કુલ ૨૨ હજારથી વધુ ગરબા મહોત્સવોમાં લાખો ખેલૈયાઓ ભાગ લેશે, જેને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ જિલ્લા પોલીસ વડાઓ તેમજ પોલીસ કમિશનરોને એલર્ટ રહીને પેટ્રોલિંગ વધારવા સ્પષ્ટ આદેશો આપ્યા છે.
ગરબા પંડાલોમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભીડભાડવાળા માર્ગો, શોપિંગ ઝોન અને પાર્ટી પ્લોટ્સમાં સાદા કપડાં તેમજ યુનિફોર્મમાં તૈનાત મહિલા પોલીસ ઉપરાંત પરંપરાગત વેશભૂષામાં (ટ્રેડિશનલ ડ્રેસમાં) ગરબા ગ્રાઉન્ડમાં સજ્જ મહિલા પોલીસકર્મીઓની ‘શી-ટીમ’ સતત વોચ રાખશે. ખેલૈયાઓના વેશમાં આવીને છેડતી, અસભ્ય વર્તન કે હેરાનગતિ કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે સ્થળ પર જ કડક કાનૂની સકંજો કસવામાં આવશે.
તહેવારો દરમિયાન ડિજિટલ માધ્યમો દ્વારા સામાજિક સૌહાર્દ ડહોળવાના કોઈપણ પ્રયાસને ડામી દેવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી, બિભત્સ સામગ્રી કે ધાર્મિક લાગણી દુભાવતા વિડીયો-ઓડિયો વાયરલ કરનારા અસામાજિક તત્વો પર આધુનિક ટૂલ્સ દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની અફવા ફેલાવનાર સામે આઈ.ટી. એક્ટની કડક કલમો હેઠળ તાત્કાલિક એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવશે.
તમામ ગરબા આયોજકો માટે સ્પષ્ટ સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ ૩૬૪ પાર્ટી પ્લોટ, ૨,૭૨૭ જાહેર ગરબા અને ૧૬,૫૨૭ શેરી ગરબા સહિતના તમામ સ્થળોએ પ્રવેશ અને નિકાસ માટે અલગ ગેટ, સમગ્ર પરિસરમાં હાઈ-ડેફિનેશન સીસીટીવી (CCTV) કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત રહેશે. આ સ્થળોએ પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી (TRB) જવાનો તૈનાત રહેશે.
ગુજરાત પોલીસે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે કટોકટીના સમયે તાત્કાલિક સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અપીલ કરી છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
