તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
અંકલેશ્વરના જુના બોરભાઠા ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા રાજ્યપાલએ ખેડૂતોને આપ્યું માર્ગદર્શન:સફળ પ્રાકૃતિક ખેતી કરીને અન્યોને પ્રેરણા પૂરી પાડનાર ખેડૂતોને સન્માનિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પરિસંવાદ સ્થળે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેની પણ તેમણે મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ તકે સફળ પ્રાકૃતિક ખેતી કરીને અન્યોને પ્રેરણા પૂરી પાડનાર ખેડૂતોને સન્માનિત કરાયા હતા. પ્રગતિશીલ ખેડૂતોએ સ્વ-અનુભવો વર્ણવી પ્રાકૃતિક કૃષિની મહત્તા સમજાવી હતી.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પરિસંવાદમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીનો વ્યાપ વધવાના કારણે વિવિધ જીવલેણ રોગો વધી રહ્યા છે. આપણે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરીને ધરતીને બંજર બનાવી દીધી છે. આજના સમયની માંગ છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સ્વસ્થ સમાજ માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર ઉપાય છે.
રાજ્યપાલએ એક સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ૧૦૫ માતાઓના દૂધના પરીક્ષણમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. તમામ માતાઓના દૂધમાં યૂરિયા અને જંતુનાશકોના અંશ જોવા મળ્યા છે. આ ઝેર ખેતરોમાં આપણે નાખેલા રાસાયણિક ખાતરોને કારણે અનાજ અને ફળો દ્વારા માનવ શરીરમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે ૧૦ વર્ષના બાળકો પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓનો શિકાર બની રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટવાની ખોટી માન્યતાઓ દૂર થવી જરૂરી છે એમ સ્પષ્ટપણે જણાવી તેમણે પોતાના અંગત અનુભવો ટાંકતા કહ્યું કે, ગુજરાતમાં ૮ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ઉત્પાદન ઘટવાનો ડર એ માત્ર અફવા છે. કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં ૧૮૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે અને એક ટીપું પણ યૂરિયા કે ડીએપી વાપરવામાં આવતું નથી. ભરૂચ જિલ્લામાં પણ ૨૨ હજાર કરતાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે તે બદલ રાજ્યપાલશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે સૌને આહવાન કર્યું હતું કે, તેઓ પોતાના ગામના અન્ય ખેડૂતોને પણ આ અભિયાનમાં જોડે. તેમણે દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ-પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનો એકમાત્ર માર્ગ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અભિયાનને દેશભરમાં શરૂ કર્યું છે. જેથી ભારત ઝેરમુક્ત બને. સ્વસ્થ પેઢીનું નિર્માણ થાય અને દેશ સમૃદ્ધ બને. વિકસિત ભારતનું નિર્માણ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ તેવું આહ્વાન પણ કર્યું હતું.
રાજ્યના પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આજના ભાગદોડભર્યા જીવનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી કેન્સર, હૃદયરોગ અને કિડની જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. આ સમસ્યાના નિવારણ માટે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો મહાયજ્ઞ શરૂ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથે ખેડૂતો આર્થિક સ્વાવલંબન મેળવી શકે છે. પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવનારા ખેડૂતોનું સન્માન અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનશે. આવનારી પેઢીને શુદ્ધ અને નૈસર્ગિક કૃષિ પેદાશોની અમૂલ્ય ભેટ આપવા સૌ ખેડૂતમિત્રો પ્રાકૃતિક ખેતી અપનાવે અને ‘ગામ સમૃદ્ધ, રાજ્ય સમૃદ્ધ, રાજ્ય થકી દેશ સમૃદ્ધ’ના સંકલ્પને સાકાર કરે.
પરિસંવાદના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે સાનુકૂળ માહોલ અને રાજ્ય સરકારનો મજબૂત માળખાકીય સહયોગ મળી રહ્યો છે. જિલ્લામાં કુલ ૧૮૦ ક્લસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે, જેના માટે ૩૬૦ કૃષિ સખી/કિસાન મિત્રોની નિમણૂક કરાઈ છે. હાલ ૨૨,૫૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે સજ્જ થયા છે. ગત વર્ષે પ૫ બાયો રિસોર્સ સેન્ટર અને ૩૨૩ મોડેલ ફાર્મ તૈયાર કરાયા હતા, જ્યારે ચાલુ વર્ષે વધુ ૧૩ સેન્ટર અને ૭૩ નવા મોડેલ ફાર્મ બનાવવાનું આયોજન છે. અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું છે અને ૨૩,૬૫૩ હેક્ટર જમીન પ્રાકૃતિક ખેતી હેઠળ આવરી લેવાઈ છે. કલેક્ટરએ રાસાયણિક ખેતી છોડી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલએ કૃષિ સખી અને કિસાન મિત્ર-CRP ભાઈ બહેનો સાથે સંવાદ કર્યો હતો અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય રેમશભાઈ મિસ્ત્રી, રિતેશભાઈ વસાવા, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ ફરિદીવાલા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, અગ્રણી ખેડૂતો અને નાગરિકો જોડાયા હતા.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
