<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

20 મેના રોજ દેશવ્યાપી કેમિસ્ટોની હડતાળની જાહેરાત : વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના કેમિસ્ટો હડતાળમાંથી બાકાત રહેશે

વડોદરા કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય, હડતાળના મુદ્દાઓ રાષ્ટ્રીય સ્તરના હોવાથી સ્થાનિક સ્તરે બંધ ન રાખવા સહમતિ, દર્દીઓને અગવડ ન પડે તે માટે તમામ મેડિકલ સ્ટોર રાબેતા મુજબ ખુલ્લા રહેશે

વડોદરા, તા. 16 : ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ દ્વારા 20 મેના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાંથી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના કેમિસ્ટો બાકાત રહેશે અને તમામ મેડિકલ સ્ટોર રાબેતા મુજબ ખુલ્લા રહેશે.

 

વડોદરા કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, હડતાળ માટેના મુદ્દાઓ મુખ્યત્વે રાષ્ટ્રીય સ્તરના છે. સ્થાનિક સ્તરે વહીવટી તંત્ર સાથે કોઈ મોટો વિવાદ ન હોવાથી દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હડતાળમાં ન જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે કેમિસ્ટોની માંગણીઓ સરકાર સમક્ષ પહેલેથી જ રજૂ કરવામાં આવી છે અને તેના નિરાકરણ માટે વાતચીત ચાલુ છે. આવી સ્થિતિમાં મેડિકલ સ્ટોર બંધ રાખવાથી સામાન્ય નાગરિકો અને દર્દીઓને હાલાકી ભોગવવી પડશે.

 

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના તમામ કેમિસ્ટોએ સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. 20 મેના રોજ શહેર અને જિલ્લાના તમામ સરકારી, ખાનગી હોસ્પિટલ નજીકના તેમજ વિસ્તારના મેડિકલ સ્ટોર નિયમિત સમય મુજબ ચાલુ રહેશે. તાત્કાલિક દવાઓની જરૂરિયાત ધરાવતા દર્દીઓએ ચિંતા કરવાની જરૂર નથી.

(2:41 PM IST)