<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

૩૧મી ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની વ્યાપક ઉજવણી કરાશે: ગ્રામ પંચાયતથી લઈ મહાનગરપાલિકા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન

નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા એકતા શપથ ગ્રહણ તેમજ 'રન ફોર યુનિટી' યોજાશે:મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની સમિતિની રચના કરાઇ:૩૧ ઓક્ટોબરે સાંજે ૫:૩૦ કલાકથી SOU ખાતે એકતા પરેડ સહિત અન્ય કાર્યક્રમોનું જીવંત પ્રસારણ

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે તા. ૩૧મી ઓક્ટોબરે "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને સુદ્રઢ કરવાનો તથા સામાજિક સમરસતાનો સંદેશ આપે છે.

રાજ્યભરમાં આગામી ૩૧ ઓક્ટોબરે સાંજે ૫:૦૦ થી ૫:૩૦ કલાક દરમિયાન વંદેમાતરમનું સામૂહિક ગાન, એકતા પરેડ, સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિપૂર્ણ કાર્યક્રમ તેમજ સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર મહાનુભાવોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સાંજે ૫:૩૦ કલાકથી SOU ખાતે યોજાનાર એકતા પરેડ તથા અન્ય કાર્યક્રમોનું દેશભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. તદુપરાંત સાંજે ૭:૧૦ કલાકથી વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ સામૂહિક રીતે નિહાળવામાં આવશે.

વધુમાં, આ વર્ષે ૩૧ ઓક્ટોબરે રાજ્યમાં ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયતો અને તાલુકાઓથી લઈને શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ સુધી તમામ સ્તરે આ ઉજવણી વ્યાપકપણે કરવામાં આવશે. નાગરિકોમાં વધુમાં વધુ રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે એકતા શપથ ગ્રહણ, 'રન ફોર યુનિટી' (એકતા દોડ) અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં નાગરિકોની સાથે તમામ સરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આ મહોત્સવમાં સક્રિય સહભાગી થશે.

રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી સંસ્થાઓના ખેડૂતો, મહિલા અને સ્વસહાય જૂથ, શિક્ષણ, આરોગ્ય અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને નાગરિકોની લોકભાગીદારી, દરેક ગામ/નગરપાલિકા/મહાનગરપાલિકામાંથી નાગરિકોની ઉપસ્થિતિમાં એકતા રેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સભ્ય તરીકે કૃષિ-પશુપાલન, સહકાર, ગૃહ, મહેસૂલ, નાણા, આરોગ્ય, શહેરી વિકાસ, શિક્ષણ, પંચાયત, સામાન્ય વહીવટી વિભાગના ઉચ્ચ સનદી અધિકારીઓનો સમાવેશ થાય છે. વધુમાં, જિલ્લા કક્ષાએ કલેક્ટર, તાલુકા કક્ષાએ નાયબ કલેકટર અથવા વર્ગ-૧ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા કક્ષાએ મેયરના અધ્યક્ષસ્થાને તથા ગ્રામ્ય કક્ષાએ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સમિતિ બનાવવામાં આવી છે, જેમાં પંચાયત, મહેસૂલ તલાટી, ગ્રામ સેવક અને ગામના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

 

(6:56 PM IST)