તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
‘રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’: ગાંધીનગર સચિવાલયથી નેશનલ મોટરસાઇકલ રેલીનું પ્રસ્થાન : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કરાવી રવાના
ફાઈટ અગેઈન્સ્ટ ડ્રગ્સના સંદેશ સાથે 45 ટીમોના 550 જવાનો 275 બાઈક સાથે દેશના 4 ઝોનમાંથી કેવડિયા તરફ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી સહિત રાજ્યો અને CAPFના બાઈકર્સ જોડાયા : રૂટ પર નશામુક્તિના શપથ અને જનજાગૃતિ કાર્યક્રમો : રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક

ગાંધીનગર તા.25 : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસ પરેડના ઉપલક્ષ્યમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત ભવ્ય ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું આજે ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી બતાવી સુરક્ષા દળોના પ્રચંડ ઉત્સાહ વચ્ચે આ રેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતા નગર (કેવડિયા) તરફ રવાના કરાવી હતી.
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રેલી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ મોટરસાઇકલ રેલીમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની કુલ 45 ટીમો અને 550થી વધુ જવાનો/અધિકારીઓ 4 અલગ-અલગ ઝોન મારફતે 275થી વધુ બાઈક સાથે ભાગ લઈ રહ્યા છે. દરેક રાજ્યમાંથી 5-5 બાઈકર્સ આ રેલીમાં જોડાયા છે, જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યો તેમજ CAPFના જવાનોનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ગાંધીનગરથી ફ્લેગ ઓફ થયા બાદ આ ટીમો આણંદ અને વડોદરા થઈને કેવડિયા પહોંચશે. તમામ બાઈકર્સ 31 ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ગૌરવપૂર્વક ભાગ લેશે.
આ વર્ષની રેલીની થીમ ‘ફાઈટ અગેઈન્સ્ટ ડ્રગ્સ’ રાખવામાં આવી છે. રેલીના સમગ્ર રૂટ દરમિયાન અલગ-અલગ સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો, નશામુક્તિના સંકલ્પ અને શપથ ગ્રહણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રહેવા પ્રેરિત કરી શકાય.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તા. 21 ઓક્ટોબરે નવી દિલ્હીથી નોર્થ ઝોનની આ રેલીને ફ્લેગ ઓફ કરાઈ હતી, જે હરિયાણા અને રાજસ્થાન થઈને ગાંધીનગર આવી પહોંચી હતી.
"Say No to Drugs, Say Yes to Life"ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
