<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ગાંધીનગર પહોંચેલી નેશનલ મોટરસાઇકલ રેલીનું પરંપરાગત ઢબે ભવ્ય સ્વાગત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સચિવાલયથી એકતા નગર માટે કરાવશે પ્રસ્થાન

ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ થીમ પર યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય રેલીમાં દેશભરમાંથી ૫૫૦થી વધુ જવાનો બાઈક સાથે જોડાયા : ૩૧ ઓક્ટોબરે એકતા નગર ખાતે થશે સંપન્ન

ગાંધીનગર : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આગામી ૩૧ ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડના ઉપલક્ષ્યમાં દેશભરમાં ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે વિશેષ નેશનલ મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રેરિત આ રેલીના નોર્થ ઝોનને ગત ૨૧ ઓક્ટોબરે નવી દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

દિલ્હીથી પ્રયાણ કરીને હરિયાણા અને રાજસ્થાનના માર્ગે આ મોટરસાઇકલ રેલી આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવી પહોંચી હતી. ગાંધીનગર આગમન વેળાએ ડ્રગ્સ મુક્ત સમાજના સંદેશ સાથે આવેલા આ રાઇડર્સનું સ્થાનિક તંત્ર દ્વારા પરંપરાગત ઢબે અને પોલીસ બેન્ડની સૂરાવલીઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મુકામે આ તમામ રાઇડર્સ માટે રાત્રિ રોકાણ તેમજ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત આવતીકાલે ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે ગાંધીનગર સ્થિત સચિવાલય સંકુલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોલીસ બેન્ડ અને અશ્વદળની વિશેષ ઉપસ્થિતિમાં આ રેલીને લીલી ઝંડી આપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર તરફ આગળના પ્રયાણ માટે ફ્લેગ ઓફ કરાવશે. સચિવાલયથી પ્રસ્થાન કર્યા બાદ આ રેલી આણંદ અને વડોદરા થઈને નિર્ધારિત મુકામે પહોંચશે.

સે નો ટુ ડ્રગ્સ સે યસ ટુ લાઈફ ના મંત્ર સાથે યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી દૂર રાખીને સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ ભવ્ય આયોજન કરાયું છે. આ રાષ્ટ્રીય રેલીમાં દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની કુલ ૪૫ ટીમોના ૫૫૦થી વધુ જવાનો અને અધિકારીઓ ૨૭૫થી વધુ બાઇક સાથે ચાર અલગ-અલગ ઝોન મારફતે ભાગ લઈ રહ્યા છે. આગામી ૩૧ ઓક્ટોબરે તમામ ચારેય ઝોનની ટીમો એકતા નગર ખાતે એકત્રિત થશે અને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સહભાગી થઈને આ અભિયાનને સંપન્ન કરશે.

(8:43 PM IST)