News of Sunday, 26th July 2026
નર્મદાને મળી વિકાસની નવી ગતિ: ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના હેઠળ નર્મદા જિલ્લાને વધુ 5 નવી મિની બસોની ભેટ
સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ દ્વારા લીલી ઝંડી બતાવી મીની બસોનું પ્રસ્થાન કરાવ્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા :ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના અંતર્ગત નર્મદા જિલ્લાને વધુ પાંચ નવી મિની બસોની ભેટ મળી છે. મુખ્યમંત્રીના વરદ હસ્તે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમના અનુસંધાનમાં આજે રવિવારે જિલ્લાના પદાધિકારીઓના હસ્તે લીલી ઝંડી આપી આ બસોને નિયત રૂટ પર કાર્યરત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા, માન. સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, પ્રાયોજના વહીવટદાર આમોલ આવટે, એસ.ટી. ડેપો મેનેજર એચ.એસ. જોશી, એ.આર.ટી.ઓ. નિમીષાબેન પંચાલ, જિલ્લા આદિજાતિ વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લીલી ઝંડી આપ્યા બાદ મિની બસોને નર્મદાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો માટે રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ નવી બસમાં મુસાફરી કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. સાંસદે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને શિક્ષણ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના બાળકોને શાળા-કોલેજ સુધી સરળ અને સમયસર પરિવહન સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકારે જનજાતિ વિસ્તારો માટે કુલ 111 બસો ફાળવી છે, જે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાને અગાઉ છ બસો ફાળવવામાં આવી હતી અને હવે વધુ પાંચ બસો મળતા જિલ્લામાં કુલ 11 નવી બસો કાર્યરત થઈ છે. ગામડાઓમાંથી અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ સમયસર શાળા-કોલેજ પહોંચી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ છે.
ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, અગાઉ ફાળવાયેલી છ બસો બાદ હવે વધુ પાંચ મિની બસો મળતા અંતરિયાળ અને સાંકડા માર્ગ ધરાવતા ગામોમાં પણ સરળતાથી પરિવહન સેવા ઉપલબ્ધ બનશે. તેમણે જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ સુલભ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ આયોજન બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તમામ મિની બસો જીપીએસ સુવિધાથી સજ્જ છે. જેના કારણે તેમની કામગીરીનું વેબ પોર્ટલ મારફતે દૈનિક મોનિટરિંગ કરવામાં આવશે, જેથી સેવા વધુ કાર્યક્ષમ, સમયબદ્ધ અને પારદર્શક બનશે.
રાજપીપલા એસ.ટી. બસ મથકેથી પાંચ મિની બસોને વિવિધ રૂટ પર રવાના કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કનબુડી–આંબાગામ (સુકવાલ)–દેવમોગરા, સરિબાર–ડુમખલ–વાંદરી, ડુમખલ–વાંદરી–સરિબાર તેમજ દેવમોગરા–આંબાગામ (સુકવાલ)–કનબુડી જેવા અંતરિયાળ રૂટનો સમાવેશ થાય છે.
નર્મદા જેવા આદિજાતિ બહુલ જિલ્લામાં આ બસો શરૂ થવાથી ખાસ કરીને દૂરના ગામોમાં રહેતા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને સમયસર, સુરક્ષિત અને સુવિધાયુક્ત પરિવહનની સુવિધા મળશે. દીકરીઓ માટે સલામત મુસાફરીની સુવિધામાં વધારો થવાથી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે તેમજ ઉચ્ચ શિક્ષણ સુધી તેમની પહોંચ વધુ સરળ બનશે. જનજાતિ વિસ્તારોમાં શિક્ષણ, સુલભ પરિવહન અને સર્વાંગી વિકાસને વેગ આપતી આ યોજના નર્મદા જિલ્લાના વિકાસમાં મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
