<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

PM-KUSUM યોજના હેઠળ નર્મદા જિલ્લાની ઐતિહાસિક સિદ્ધિ: ૧૪,૯૮૯ સોલાર પંપ સાથે સમગ્ર ગુજરાતમાં મેળવ્યું પ્રથમ સ્થાન, આદિવાસી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

૧૦૦ ટકા સહાય સાથે ડુંગરાળ વિસ્તારોમાં હરિત ક્રાંતિ: શૂલપાણેશ્વર અભયારણ્ય જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિના વીજ લાઈને બારેમાસ સિંચાઈ શક્ય બની, ડીઝલનો ખર્ચ અને સ્થળાંતર ઘટ્યા.

નર્મદા:  નર્મદા જિલ્લાના જંગલ અને ડુંગરાળ વિસ્તારોમાં ક્યારેક માત્ર આકાશ તરફ જોઈને વરસાદની રાહ જોતા આદિવાસી ખેડૂતોના જીવનમાં PM-KUSUM (પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન) યોજનાએ એક અદભુત આર્થિક ચમત્કાર સર્જ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી કુલ ₹૬૧૮.૪૧ કરોડના ખર્ચે ૧૪,૯૮૯ સોલાર પંપ મંજૂર કરીને નર્મદા જિલ્લો સોલાર ઊર્જાના વપરાશમાં સમગ્ર ગુજરાતમાં મોખરાના સ્થાને પહોંચ્યો છે. કેન્દ્રની ૬૦% અને રાજ્યની ૪૦% સહાયના કારણે ખેડૂતોને ૧૦૦% સબસિડી સાથે આ લાભ મળ્યો છે.

દેડિયાપાડા અને સાગબારા જેવા વિસ્તારોમાં ભૌગોલિક સ્થિતિના કારણે વીજળીનું નેટવર્ક પહોંચાડવું અત્યંત મુશ્કેલ હતું. તેવામાં PM-KUSUM-B હેઠળના ઓફ-ગ્રીડ સોલાર પંપ ગેમચેન્જર સાબિત થયા છે. દેડિયાપાડાના સામોટ ગામના ખેડૂત રાકેશભાઈ વસાવા જેવા હજારો આદિવાસીઓ હવે ચોમાસા ઉપરાંત રવિ અને ઉનાળુ સીઝનમાં પણ મકાઈ, ડાંગર, કઠોળ અને શાકભાજી જેવા પાકોનું સફળ ઉત્પાદન લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાકેશભાઈને ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સંવાદ કરવાનો અવસર પણ સાંપડ્યો હતો.

આ યોજનાથી વિકાસ અને પર્યાવરણનું અદ્ભુત સંતુલન જળવાયું છે. શૂલપાણેશ્વર અભયારણ્ય જેવા ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં નવા વીજ થાંભલા કે વાયર નાખ્યા વિના જ પાણીની વ્યવસ્થા ઊભી થઈ છે, જેથી વન્યજીવોના કુદરતી વસવાટને નુકસાન અટક્યું છે. ડીઝલ પંપનો વપરાશ બંધ થતાં કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો નોંધાયો છે. સાથોસાથ, ગામડાઓમાં જ બારેમાસ ખેતી અને પશુપાલનની તકો ઊભી થતાં રોજગારી માટે થતું આંતરિક સ્થળાંતર અટક્યું છે. નર્મદા જિલ્લાનું આ ગ્રીન એનર્જી મોડેલ આજે દેશભરના પહાડી વિસ્તારો માટે પ્રેરણારૂપ બની ગયું છે.

 

(8:03 PM IST)