તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 30th July 2026
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક
કલેકટર ગંગાસિંઘે વીડિયો કોન્ફરન્સ યોજી અધિકારીઓને આપ્યા જરૂરી માર્ગદર્શન:કલેકટરની વરસાદ અંગેની જરૂરી માહિતી અને સાવચેતીના સંદેશાઓ લોકો સુધી ઝડપથી પહોંચાડવા ખાસ અનુરોધ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી અનુસાર રાજ્યમાં આગામી તા. ૩૧ જુલાઈના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે તેમજ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર ગંગાસિંઘના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, રાજપીપળા ખાતેથી વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓ ઉપરાંત તાલુકા કક્ષાના તમામ ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ જોડાયા હતા.
જિલ્લા કલેકટરે અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખી ગામડાં સુધી સમયસર ચેતવણીના સંદેશાઓ પહોંચે તે સુનિશ્ચિત કરવું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા, સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત ગોઠવવા, જરૂરિયાત મુજબ લોકોના સ્થળાંતર માટે સુરક્ષિત સ્થળોની વ્યવસ્થા રાખવા તેમજ આરોગ્ય વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
તેમણે સ્થાનિક સ્તરે ગ્રામ સેવકો, તલાટી કમ મંત્રી, સરપંચ તથા અન્ય જનપ્રતિનિધિઓ સાથે સંકલન સાધી વરસાદ અંગેની જરૂરી માહિતી અને સાવચેતીના સંદેશાઓ લોકો સુધી ઝડપથી પહોંચાડવા ખાસ અનુરોધ કર્યો હતો.
આગામી ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓને આગામી સૂચના સુધી મુખ્ય મથક (હેડક્વાર્ટર) ન છોડવા તથા સતત સતર્ક રહી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપી હતી.
આ વીડિયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર સી.કે. ઉંધાડ, નાયબ કલેકટર સુ વિધુ ખૈતાન, વિવિધ મામલતદારો તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓ જોડાયા હતાં
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
