તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
મેઘરાજાની તોફાની બેટિંગથી નર્મદા ડેમ છલકાયો: ગુજરાતની જીવાદોરી ૬૭ ટકા ભરાઈ, રાજ્યના ૧૧ જળાશયો હાઈ-એલર્ટ પર
સીઝનનો સરેરાશ ૨૬.૦૨ ટકા વરસાદ નોંધાતા જગતનો તાત ખુશખુશાલ: ઉપરવાસની ભારે આવકથી હાઈડ્રો પાવર હાઉસ ધમધમ્યા, ૬ ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થતાં તંત્ર એલર્ટ મોડ પર

અમદાવાદ : ગુજરાત પર આ વર્ષે ચોમાસાની સિઝન અત્યંત મહેરબાન સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમીને સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ભારે આનંદનો માહોલ છે અને વાવણી લાયક ઉત્તમ વરસાદ થતાં ખેતીના કાર્યોએ જબરદસ્ત વેગ પકડ્યો છે. તાજેતરના સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સરેરાશ ૨૬.૦૨ ટકા જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની ભારે આવક થઈ છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર:
વરસાદના ઝોન વાઇઝ આંકડાની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૩૬.૭૧ ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં ૨૮.૮૪ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મધ્ય-પૂર્વ ગુજરાતમાં ૧૮.૬૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૪.૪૨ ટકા અને કચ્છ ઝોનમાં ૩.૪૨ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના આ બીજા રાઉન્ડને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના કારણે નર્મદા ડેમ હાલમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૭.૦૪ ટકા જેટલો ભરાઈ ગયો છે, જે રાજ્ય માટે આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીની મોટી ચિંતા દૂર કરે છે. નર્મદા ડેમમાં સતત પાણી વધતા તેનું પાવર હાઉસ પણ ફરીથી સક્રિય કરી દેવાયું છે, જે વીજ ઉત્પાદનમાં મોટો વધારો કરશે.
૬ ડેમ સંપૂર્ણ છલકાયા, ૧૧ ડેમ હાઈ-એલર્ટ પર:
નર્મદા સિવાય રાજ્યના અન્ય ૨૦૬ મુખ્ય જળાશયોમાં પણ અત્યાર સુધીમાં ૪૦.૮૮ ટકા જેટલો મોટો જળસંગ્રહ થઈ ચૂક્યો છે. આ પૈકીના ૬ ડેમ તો પોતાની ભયજનક સપાટી વટાવીને સંપૂર્ણપણે છલકાઈ (ઓવરફ્લો) ગયા છે. ડેમોમાં પાણીની સતત વધતી આવકને જોતા સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ૧૧ ડેમને 'હાઈ-એલર્ટ', ૩ ડેમને 'એલર્ટ' અને ૧૩ ડેમને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામોના લોકોને સાવધ રહેવા અને નદીના પટમાં ન જવા કડક અપીલ કરવામાં આવી છે.
કયા ડેમ કઈ શ્રેણીમાં મુકાયા?
હાલની સ્થિતિએ અમરેલી જિલ્લાનો ધાતરવાડી અને સુરજવાડી ડેમ, ભાવનગરના રોજકી, શેત્રુંજી અને રંગહોળા ડેમ, સુરેન્દ્રનગરનો વંસલ ડેમ, તાપીનો દોસવાડા ડેમ તેમજ મહીસાગરનો વણાકબોરી ડેમ અત્યારે 'હાઈ-એલર્ટ' પર છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા, ભાવનગરનો માલણ અને ગીર સોમનાથનો રાવળ ડેમ 'એલર્ટ' પર જાહેર કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પૂરની સ્થિતિ પર ચોવીસેય કલાક બાજ નજર રાખી રહી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
