તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૭૦ ટકા ભરાયો
હાલ ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં ૨૨,૭૨૨ ક્યુસેક જેટલું પાણી ઠલવાઈ રહ્યું છે, જેને કારણે ડેમના જળભંડારમાં ઉત્તરોત્તર સંતોષકારક વધારો થઈ રહ્યો છે

અમદાવાદ તા.૨૯: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના સીધા પરિણામે નર્મદા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.હાલની સ્થિતિએ નર્મદા ડેમની સપાટી ૧૨૮.૫૫ મીટરે પહોંચી ગઈ છે. માત્ર છેલ્લા ૨૪ કલાકના સમયગાળા દરમિયાન જ ડેમની સપાટીમાં ૧૦ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે.
સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર નિર્ધારિત કરવામાં આવી છે, જેની સામે વર્તમાન જળસ્તર ખુબ જ ઉત્સાહજનક સ્થિતિમાં છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, પાણીની સતત આવકને કારણે નર્મદા ડેમ હાલ ૭૦ ટકા જેટલો ભરાઈ ગયો છે અને ડેમમાં ૩૯૭૦ મિલિયન ક્યુબિક મીટર (MCM) જેટલું લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે. ડેમમાં પાણીની આવક ચાલુ હોવા છતાં, હાલ તંત્ર દ્વારા ડેમના તમામ પાવર હાઉસ બંધ રાખવામાં આવ્યા છે.
પાવર હાઉસ બંધ હોવા છતાં ડેમની સપાટી ઉપર જઈ રહી છે તે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે. નર્મદા ડેમમાં પાણીનો આ જથ્થો જળવાઈ રહેવાથી આગામી સમયમાં પીવાના પાણી તેમજ સિચાઈ માટેની જરૂરિયાતોને પહોંચી વળવામાં મોટી મદદ મળશે.
ઉપરવાસમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત હોવાથી આગામી દિવસોમાં નર્મદા ડેમની સપાટીમાં વધુ વધારો થવાની પૂરી સંભાવના છે. ગુજરાતના લાખો નાગરિકો અને ખેડૂતો માટે આ સમાચાર અત્યંત આનંદદાયક છે, કારણ કે નર્મદા ડેમની આ ભરાવદાર સ્થિતિ રાજ્યના જળસંકટને દૂર રાખવામાં મોટો ભાગ ભજવે છે. તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
