તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
અંબાજી ભાદરવી પૂનમ મેળાને લઈને ગબ્બર પર્વતનો પૌરાણિક અને આધ્યાત્મિક મહિમા: 'જે ચડે ગબ્બર, તે બને જબ્બર' ની લોકઉક્તિ સાથે મા અંબાના મૂળ પ્રાગટ્ય સ્થાન અને ૫૧ શક્તિપીઠોના દર્શનનો અદ્ભુત લ્હાવો
૬૨ કરોડના ખર્ચ નિર્મિત ભવ્ય પરિક્રમા માર્ગ પર એક જ સ્થળે થાય છે તમામ શક્તિપીઠોના દર્શન: પોષી પૂનમ અને ભાદરવી પૂનમ આસપાસ ભક્તોનું ઘોડાપૂર

અંબાજી : મા અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની દિવ્ય રોનક જામી છે, ત્યારે યાત્રાધામના મુખ્ય આકર્ષણ સમાન પૌરાણિક ગબ્બર પર્વતનો મહિમા અને ઇતિહાસ અનોખો છે. અંબાજી મંદિરથી પશ્ચિમ દિશામાં ૩ કિલોમીટરના અંતરે આવેલા ગબ્બર પર્વતને મા જગદમ્બાનું મૂળ પ્રાગટ્ય સ્થાન માનવામાં આવે છે. "જે ચડે ગબ્બર, તે બને જબ્બર" એવી પ્રચલિત લોકઉક્તિ સાથે ગબ્બર ચઢવાનું અનેકગણું આધ્યાત્મિક મહત્વ છે. ૯૯૯ પગથિયાં તેમજ ઉડન ખટોલા (રોપ-વે) ની સુવિધા ધરાવતા આ પર્વત પર અખંડ દીપજ્યોત ઝળહળે છે, અને મુખ્ય મંદિરે દર્શન કર્યા બાદ ગબ્બરના દર્શન ન કરનારની યાત્રા અધૂરી ગણાય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, માતા સતિના દેહના ટુકડાઓમાંથી માતાજીના હૃદયનો ભાગ આ પવિત્ર ભૂમિ પર પડ્યો હતો. ગબ્બર પર્વત સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે, જેમાં એવી પણ આસ્થા છે કે ભાગ્યશાળી ભક્તોને આજે પણ પર્વત પર માતાજીના સોનાના હિંડોળાનો અવાજ સંભળાય છે. ભાગવત પુરાણના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અને ચૌલકર્મ વિધિ પણ આ જ પાવન સ્થળે સંપન્ન થઈ હતી. પોષી પૂનમ માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે, જ્યારે ભાદરવી પૂનમે અહીં લાખો માઈભક્તો ઉમટીને શતચંડી યજ્ઞ અને છપ્પન ભોગના દર્શનનો લ્હાવો લે છે.
૫૧ શક્તિપીઠોના એક જ સ્થળે દર્શન કરાવતો ભવ્ય પરિક્રમા માર્ગ
દેશભરમાં ફેલાયેલી તમામ ૫૧ શક્તિપીઠોના અલગ-અલગ સ્થળોએ જઈને દર્શન કરવા દરેક ભક્ત માટે શક્ય નથી હોતું, પરંતુ આ સમસ્યાના હલરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આશરે ૬૨ કરોડ રૂપિયાના ખર્ચથી ગબ્બર પર્વતની આસપાસ એક ભવ્ય પરિક્રમા માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માર્ગ પર તમામ ૫૧ શક્તિપીઠોના મૂળ મંદિરો જેવા જ આબેહૂબ મંદિરો બનાવવામાં આવ્યા છે, જેના કારણે હવે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ એક જ પરિસરમાં તમામ શક્તિપીઠોના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
