તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
વડોદરાના સુપ્રસિદ્ધ પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા ઠંડા કરવાની વર્ષો જૂની ધાર્મિક રસમ નિભાવવામાં આવી
વડોદરામાં છેલ્લા અઢીસો વર્ષથી કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને અતૂટ ભાઈચારાનું પ્રતીક સમાન એક અનોખી પરંપરા

વડોદરામાં છેલ્લા અઢીસો વર્ષથી કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને અતૂટ ભાઈચારાનું પ્રતીક સમાન એક અનોખી પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા સાથે જીવંત રાખવામાં આવી છે. મોહરમના પવિત્ર અવસરે વડોદરાના સુપ્રસિદ્ધ પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા ઠંડા કરવાની વર્ષો જૂની ધાર્મિક રસમ ભક્તિભાવપૂર્વક નિભાવવામાં આવી હતી. આ દ્રશ્ય હિન્દુ-મુસ્લિમ સંસ્કૃતિના સુમેળનો એક સર્વોત્તમ સંદેશ સમાજ સમક્ષ પ્રસ્તુત કરે છે. વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરાને કારણે બંને ધર્મના લોકો એકબીજા પ્રત્યે આદર અને પરસ્પર સમન્વયની ભાવના સાથે આ પર્વમાં જોડાય છે.
આ ભવ્ય અને અનોખી પરંપરાનો ઇતિહાસ વડોદરાના પ્રજાવત્સલ રાજવી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના સમય સાથે સીધો જોડાયેલો છે. ઇતિહાસ અનુસાર, મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારના શાહી હકીમ દ્વારા આ પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં મોહરમના તાજિયાને આ પૌરાણિક મંદિરે લાવીને ઠંડા કરવામાં આવતા હતા. ત્યારથી શરૂ થયેલી અઢીસો વર્ષ જૂની ભાઈચારાની આ પરંપરા આજે પણ સહેજ પણ ઓટ આવ્યા વગર કાયમ રાખવામાં આવી છે. આ ગાયકવાડી શાસનકાળની પરંપરા એ વાતની સાક્ષી પૂરે છે કે વડોદરા સદાય સંસ્કારી અને સર્વધર્મ સમભાવની ધરતી રહ્યું છે.
મોહરમના ઝુલુસ દરમિયાન ઇમામ વાડાના પરંપરાગત તાજિયાને ભારે આદરપૂર્વક પૌરાણિક બહુચરાજી મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પવિત્ર 'પંચ જળ'નો ઉપયોગ કરીને તાજિયાને ઠંડા કરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તાજિયાને અત્યંત માનભેર નિર્ધારિત સ્થળે લઈ જઈને દફન કરવામાં આવ્યા હતા. આ અદ્ભુત પરંપરા એ સાબિત કરે છે કે ધાર્મિક સીમાઓથી પર જઈને માનવતા અને સામાજિક એકતા જ સાચો ધર્મ છે, જેને વડોદરાના નાગરિકો આજે પણ ગર્વભેર નિભાવી રહ્યા છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
