News of Wednesday, 25th November 2026
સુરતના કડોદરા GIDC વિસ્તારમાં નહેરમાંથી મળેલી મહિલાની હત્યા : કેસનો ભેદ ઉકેલાયો :પત્નીના મોતનો બદલો લેવા હત્યાનો ખુલાસો
પત્નીના મોત પાછળ ગંગાબેનનો હાથ હોવાની શંકામાં ઈશ્વરભાઈ હળપતિએ તેમની ગળું દબાવી હત્યા કરી લાશ નહેરમાં ફેંકી દીધી:પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરી

સુરતના કડોદરા GIDC વિસ્તારમાં નહેરમાંથી મળી આવેલી મહિલાની લાશના ચકચારી હત્યાકેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. સુરત ગ્રામ્ય LCB અને કડોદરા GIDC પોલીસની સંયુક્ત તપાસમાં મહિલાની ઓળખ કરવામાં સફળતા મળી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની લાશને યુરિયા ખાતરની પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 60 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ મોતા ગામની ન્યુ જનતા કોલોનીમાં રહેતાં 54 વર્ષીય ગંગાબેન ભાણાભાઈ રાઠોડ તરીકે થઈ હતી. મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે હત્યારાને ઝડપી પાડવા તપાસ તેજ કરી હતી. સુરત ગ્રામ્ય LCB અને કડોદરા GIDC પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી.
તપાસમાં ખુલાસો થયો કે, ગંગાબેનની ગળામાં પ્લાસ્ટિકની પટ્ટી બાંધી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ લાશને યુરિયા ખાતરની પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી હતી. ત્યારબાદ લાશનો નિકાલ કરવા માટે આરોપી પોતાની સાયકલના પાછળના કેરિયર પર લાશ લઈને ગયો હતો અને નહેરમાં ફેંકી દીધી હતી.
આ હત્યાકેસમાં પોલીસે મોતા ગામની ન્યુ જનતા કોલોનીમાં રહેતા 60 વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ હળપતિ (રાઠોડ)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હત્યા પાછળનું ચોંકાવનારું કારણ પણ સામે આવ્યું છે. આરોપીની પત્ની રેવાબેનનું એક મહિના અગાઉ અવસાન થયું હતું. ગંગાબેને મેલી વિદ્યા કરીને પોતાની પત્નીને મારી નાખી હોવાની શંકા આરોપીને હતી. આ જ શંકાના આધારે પત્નીના મોતનો બદલો લેવા આરોપીએ ગંગાબેનની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ હત્યા કર્યા બાદ લાશને સાયકલ પર લઈ જઈ નહેરમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ કડોદરા GIDC પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
