<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ખેરખાઓ સામે પાલિકાની લાલ આંખ: મેંગો મિલ્ક શેક અને આઈસ ડિશના વેપારીઓને ત્યાં મેગા દરોડા, ૯૫ થી વધુ નમૂના ઝડપાયા

ઉનાળાની સીઝનમાં ભેળસેળિયા તત્વોનો 'ઠંડો' વેપાર ઉઘાડો પાડવા ફૂડ વિભાગનું ઓપરેશન: મિલ્ક શેકમાં કલર અને સેકરીનની તપાસ, લેબ રિપોર્ટ બાદ વેપારીઓ સામે કાયદાનો સકંજો કસાશે

સુરત, તા.૦૭: સુરત શહેરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ ઠંડા પીણા અને આઈસ ડિશની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે, પરંતુ તેની આડમાં લોકોના આરોગ્ય સાથે રમત રમાતી હોવાની શંકાના આધારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં મિલ્ક શેક અને આઈસ ડિશના વેપારીઓને ત્યાં મોટા પાયે દરોડા પાડીને ખાદ્ય પદાર્થોના નમૂના મેળવ્યા છે.
આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાસ કરીને મેંગો મિલ્ક શેકના ૮૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ઉનાળામાં સુરતીઓની ફેવરિટ એવી આઈસ ડિશના ૧૫ નમૂનાઓ પણ તપાસ અર્થે જપ્ત કરાયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મિલ્ક શેકમાં ભેળવવામાં આવતા શંકાસ્પદ કલર અને સ્વીટનર તરીકે વપરાતા સેકરીનની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, આઈસ ડિશમાં વપરાતી મલાઈ અને અન્ય પદાર્થોની ગુણવત્તા પણ ચકાસણી હેઠળ છે.
લેબોરેટરી રિપોર્ટ પર સૌની નજર
ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ ૯૫ નમૂનાઓને તાત્કાલિક અસરથી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો લેબ રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે હાનિકારક પદાર્થો મળી આવશે, તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ બહારની ખાદ્ય સામગ્રીની ગુણવત્તા બાબતે સજાગ રહે.

(5:16 PM IST)