તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
અમદાવાદ રામોલમાં ફટાકડા ફેક્ટરીની આગ બાદ મનપાનું ચેકીંગ અભિયાન તેજ :118 સ્થળો પર તપાસ: 60 યુનિટ સીલ
AMCની ટીમે નિયમોનું પાલન ન કરતા એકમો સામે કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

અમદાવાદ: રામોલ વિસ્તારમાં ફટાકડાના કારખાનામાં આગ લાગવાની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ અને ફાયર વિભાગે શહેરમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. શહેરના વિવિધ ઝોનમાં ચાલી રહેલી તપાસ દરમિયાન ગેરકાયદે રીતે ચાલતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે રાયપુર વિસ્તારમાં આવેલી કેટલીક ફટાકડાની દુકાનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નિયમોનું પાલન ન કરતી દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ ફટાકડાની દુકાનો પર AMCના સીલ જોવા મળ્યા હતા.
AMCના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં કુલ 118 સ્થળો પર તપાસ અને રાઉન્ડ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 44 યુનિટ નિયમો અનુસાર નિયમિત હોવાનું સામે આવ્યું હતું, જ્યારે 60 યુનિટ ગેરકાયદે રીતે ચાલતા હોવાનું જણાયું હતું. આ તમામ 60 ગેરકાયદે યુનિટને સીલ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેઠળ એક યુનિટને કલમ 105 હેઠળ નોટિસ પણ આપવામાં આવી છે. AMCની ટીમે નિયમોનું પાલન ન કરતા એકમો સામે કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
તપાસ દરમિયાન સીલ કરવામાં આવેલા 60 યુનિટમાં 58 રિટેલ યુનિટ અને 2 સ્ટોરેજ યુનિટનો સમાવેશ થાય છે. ફટાકડા અને અન્ય જોખમી સામગ્રી સાથે સંકળાયેલા સ્થળોએ સુરક્ષા નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવી હતી. રામોલની આગની ઘટના બાદ શહેરમાં આગની સંભવિત ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ગેરકાયદે રીતે ચાલતા એકમો અને નિયમોનું પાલન ન કરતા સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
AMCની કાર્યવાહી દરમિયાન ત્રણ સ્થળોએ ડિમોલિશનની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં એક સ્થળ દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર વિસ્તારમાં અને બે સ્થળ પૂર્વ ઝોનના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા હતા. આ ઉપરાંત 10 સ્થળો એવા મળ્યા હતા જ્યાં કોઈ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો ન હતો. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં આગની ઘટના બાદ AMCના એસ્ટેટ અને ફાયર વિભાગે ચેકિંગ વધુ કડક બનાવ્યું છે. આગામી દિવસોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
