News of Tuesday, 14th July 2026
સુરતમાં પુરના ઉકેલ માટે મનપાનો મોટો પ્લાન: બાયોડાઈવર્સિટી પાર્કથી મીંઢોળા સુધીની અલથાણ ખાડીને પહોળી કરવા નિર્ણય
મનપાએ બાયોડાઈવર્સિટી પાર્કથી મીંઢોળા સુધી અલથાણ ખાડીને પહોળી કરવા SMC અને DILRની સંયુક્ત ટીમ દ્વારા સર્વે હાથ ધરવાનો નિર્ણય કર્યો:જળ વહન ક્ષમતા વધારી શહેરને પૂરથી કાયમી રાહત આપવાનો પ્રયાસ કરાશે

સુરત :શહેરમાં આવેલા ભારે પૂર બાદ સુરત મહાનગરપાલિકા હવે કાયમી ઉકેલ તરફ આગળ વધી છે. શહેરમાં દર ચોમાસે સર્જાતી પૂર જેવી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે મનપાએ અલથાણ ખાડીને બાયોડાઈવર્સિટી પાર્કથી મીંઢોળા સુધી પહોળી કરવાની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. આ પ્રોજેક્ટ માટે આગામી બે-ત્રણ દિવસમાં SMC અને DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર)ની સંયુક્ત ટીમ જમીન માપણી અને સર્વેની કામગીરી શરૂ કરશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ કામરેજ, કડોદરા, પલસાણા અને બારડોલી જેવા ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડે ત્યારે વિશાળ પ્રમાણમાં પાણી સુરત તરફ વહી આવે છે. પરિણામે શહેરની મુખ્ય ખાડીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી જાય છે અને નિકાલ માટે પૂરતી જગ્યા ન હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે.
મનપાના અભ્યાસમાં સામે આવ્યું છે કે વર્ષોથી યોગ્ય જાળવણી અને પહોળીકરણ ન થતાં અલથાણ ખાડીની જળ વહન ક્ષમતા મૂળ ક્ષમતાના આશરે 25 ટકા જેટલી જ રહી ગઈ છે. અગાઉ સિંચાઈ વિભાગની હદ અને અન્ય વહીવટી કારણોસર જરૂરી કામગીરી સમયસર થઈ શકી નહોતી, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં ગંભીર અવરોધ ઊભા થયા હતા.
આ સમગ્ર પ્રોજેક્ટ માટે ઉધના ઝોન, અઠવા ઝોનના ટેકનિકલ અધિકારીઓ અને DILRની ટીમ સંયુક્ત રીતે સ્થળ પર સર્વે કરશે. આધુનિક માપણી પદ્ધતિથી જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કરીને ખાડીને કેટલા પ્રમાણમાં પહોળી કરી શકાય તેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.મનપાનો પ્રયાસ છે કે શહેરની અંદર જે ધોરણે ખાડીઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, તે જ મોડેલને મીંઢોળા સુધી અમલમાં મૂકવામાં આવે.
લાંબા ગાળાના પ્રોજેક્ટ સાથે મનપા તાત્કાલિક રાહત માટે શોર્ટ-ટર્મ આયોજન પણ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ કાચા અને સાંકડા ભાગોને મશીનરીની મદદથી અસ્થાયી રીતે પહોળા કરવામાં આવે તો પણ પાણી વહન કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.આ પગલાથી પાણીનું સ્તર અંદાજે એક મીટર સુધી ઘટાડી શકાય તેવી શક્યતા છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસવાનું જોખમ ઘટશે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
