તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
સ્થાનિક ચૂંટણી વખતે જ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે બાંયો ચઢાવી: દિયોદરને વડુ મથક બનાવી નવો જિલ્લો જાહેર કરવાની જૂની માંગ દોહરાવી
દિયોદર જિલ્લો બનવા હકદાર હોવા છતાં અવગણનાનો લગાવ્યો આરોપ: ચૂંટણીમાં કોંગ્રેસને મત આપી અન્યાયનો બદલો લેવા મતદારોને આહવાન

બનાસકાંઠાના રાજકારણના અગ્રણી નેતા અને લોકપ્રિય આગેવાન ગેનીબેન ઠાકોરનું દર્દ ફરી એકવાર જાહેરમાં છલકાયું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે દિયોદર ખાતે એક સભાને સંબોધતા તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગેનીબેને દિયોદરને વડુ મથક બનાવીને 'ઓગડ જિલ્લા' ની રચના કરવાની વર્ષો જૂની માંગને પુનઃ જીવંત કરી છે.
ગેનીબેન ઠાકોરે સભામાં ભાવુક થઈને જણાવ્યું હતું કે, ભૌગોલિક અને વહીવટી દૃષ્ટિએ નવો જિલ્લો બનવા માટે દિયોદર સંપૂર્ણપણે હકદાર હતું. તેમણે આરોપ લગાવ્યો કે, "ગાંધીનગરમાં સરકારમાં બેઠેલા શાસકોએ આપણા વિસ્તાર સાથે અન્યાય કર્યો છે. જે વિકાસ અને સત્તા આપણને મળવી જોઈએ તે છીનવી લેવામાં આવી છે." તેમણે ઉમેર્યું કે હવે સમય આવી ગયો છે કે જનતા આ અન્યાયનો જવાબ આપે.
સ્થાનિક ચૂંટણીના માહોલમાં ગેનીબેને મતદારોને સીધી અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ માત્ર ચૂંટણી નથી, પણ આપણી સાથે થયેલા અન્યાયનો બદલો લેવાની તક છે. કોંગ્રેસ તરફી મતદાન કરીને સરકારને જડબાતોડ જવાબ આપવા તેમણે આહવાન કર્યું છે. બનાસકાંઠામાં ગેનીબેનની આ 'જિલ્લા કાર્ડ' ની રણનીતિ આગામી દિવસોમાં ભાજપ માટે મુશ્કેલીઓ સર્જી શકે છે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
