<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ગાંધીનગરને હરિયાળું બનાવવા તરફ પ્રયાણ :શહેરમાં વૃક્ષારોપણ માટે મનપાએ 5 લાખ રોપા ખરીદ્યા

બોરીજ રેન્જની નર્સરીઓમાંથી મેળવેલ 3 લાખ રોપા પેટે 12 લાખ રૂપિયા અને દહેગામ રેન્જની નર્સરીમાંથી મેળવેલા 2 લાખ રોપા પેટે 8 લાખ રૂપિયા મળી કુલ 20 લાખની ચૂકવણી કરાશે

ગુજરાતના ગાંધીનગરને ફરી હરીયાળુ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રી હેઠળ દર વર્ષે અંદાજે 10 લાખ જેટલા છોડ રોપવામાં આવે છે. મહાનગરપાલિકાની નર્સની ક્ષમતા મર્યાદિત હોવાથી વિવિધ પ્રજાતિના છોડ વન વિભાગ પાસેથી મેળવવામાં આવે છે. જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન વન વિભાગ પાસેથી 5 લાખ જેટલા છોડ ખરીદવામાં આવ્યા હતા અને શહેરમાં વિવિધ જગ્યાએ રોપવામાં આવ્યા હતા.
મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણ માટે નાગરિકો અને સંસ્થાઓને પણ પ્રેરિત કરવામાં આવે છે અને વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને ટકાઉ અને વધુ છાંયડો આપે તેવા લીમડા, વડ, પીપળો જેવા દેશી પ્રજાતિના વૃક્ષો ઉછેરવા પર ભાર મૂકવામાં આવતો હોય છે.
આવા છોડ વન વિભાગની બોરીજ રેન્જ નર્સરી અને દહેગામ રેન્જ નર્સરી પાસેથી ખરીદવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા મહાપાલિકાને પુરા પાડવામાં આવેલા રોપા બદલ એક રોપા દીઠ 4 રૂપિયાનો ભાવ નિયત કરવામાં આવ્યો છે.
જેથી મહાપાલિકા દ્વારા બોરીજ રેન્જની નર્સરીઓમાંથી મેળવેલ 3 લાખ રોપા પેટે 12 લાખ રૂપિયા અને દહેગામ રેન્જની નર્સરીમાંથી મેળવેલા 2 લાખ રોપા પેટે 8 લાખ રૂપિયા મળી કુલ 20 લાખની ચૂકવણી કરાશે.

(1:53 PM IST)