તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
સુરતના ભેસ્તાન બ્રિજ પર કાળમુખા ડમ્પરે અડફેટે લેતા મોપેડ સવાર માતા-પુત્રીના કરૂણમોત
ભયાનક અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી: માર્ગો પર દોડતા આવા યમદૂતો સામે લોકોમાં તીવ્ર આક્રોશ

સુરત :શહેરમાં બેફામ દોડતા ભારે વાહનો માસૂમ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. શહેરના ભેસ્તાન બ્રિજ પર આજે એક કાળમુખા અને બેફામ સ્પીડે આવી રહેલા ડમ્પર ચાલકે મોપેડ સવાર માતા-પુત્રીને અડફેટે લીધા હતા. ડમ્પરની સ્પીડ એટલી વધારે હતી કે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને મોપેડ પર જઈ રહેલી માતા-પુત્રીને નિર્દયતાથી કચડી નાખ્યા હતા. આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને માર્ગો પર દોડતા આવા યમદૂતો સામે લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર માતા-પુત્રી પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને ભેસ્તાન બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને રોડ પર પટકાયા હતા અને ડમ્પરના વ્હીલ નીચે આવી જતાં બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આ કરુણ દ્રશ્ય જોઈને પસાર થનારા વાહનચાલકોના કાળજા કંપાઈ ઉઠ્યા હતા.
આ હૃદયદ્રાવક ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. નિર્દોષ માતા-પુત્રીનો જીવ જતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને બ્રિજ પર ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અવારનવાર ભારે વાહનો બેફામ ગતિએ દોડે છે, જેના પર તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને ફરાર ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
