તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
અમદાવાદમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો :માત્ર 20 દિવસમાં જ ડેન્ગ્યુના 1,084 કેસ નોંધાયા
ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં 37% વધુ કેસ :મેલેરિયાના 386 અને ઝેરી મેલેરિયાના 69 કેસ નોંધાયા :પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો

અમદાવાદમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં સપ્ટેમ્બર મહિનામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2026માં 20 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ 1,084 કેસ નોંધાયા છે. તેમાંથી ઓગસ્ટમાં 361 જ્યારે સપ્ટેમ્બરના માત્ર 20 દિવસમાં જ 496 કેસ નોંધાયા છે. એટલે કે આખો મહિનો પૂર્ણ થાય તે પહેલાં જ સપ્ટેમ્બરમાં ઓગસ્ટ કરતાં 135 વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે ગત મહિનાની સરખામણીએ 20 દિવસમાં જ 37 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે
આ જ સમયગાળામાં મેલેરિયાના ઓગસ્ટમાં 141 અને સપ્ટેમ્બર 20 સુધીમાં 70 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના ઓગસ્ટમાં 4 અને સપ્ટેમ્બર 20 સુધીમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મલેરિયાના છેલ્લા 20 દિવસમાં 22 કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં 28 કેસ નોંધાયા હતા.
જાન્યુઆરીથી 20 સપ્ટેમ્બર 2026 સુધીમાં શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 1,084, સાદા મેલેરિયાના 386, ચિકનગુનિયાના 14 અને ઝેરી મલેરિયાના 69 કેસ નોંધાયા છે. 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 1,591, મેલેરિયાના 915, ચિકનગુનિયાના 19 અને ઝેરી મલેરિયાના 206 કેસ નોંધાયા હતા.
જેવી રીતે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તેવી રીતે ડેન્ગ્યુ માટે કરવામાં આવતી ટેસ્ટિંગ ખૂબ જ ઓછી છે. 2026ના ઓગસ્ટમાં 13,820 ડેન્ગ્યુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે સપ્ટેમ્બરના 20 દિવસમાં ફક્ત 7,762 ટેસ્ટ કરાયા છે. જાન્યુઆરીથી 20 સપ્ટેમ્બર સુધીમાં કુલ 54,260 ટેસ્ટ કરવામાં આવ્યા છે
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
