તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
વિશ્વમાં સોૈથી વધુ ૩૬૮૨ વાઘ ભારતમાં વસે છે
આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ : ગુજરાતનો આખરી વાઘ ડાંગના વધઇમાં ૧૯૮૩માં મૃત હાલતમાં મળી આવેલઃ હવે ગુજરાતમાં ફરી વાઘોને વસાવવાની પ્રક્રિયા ચાલી રહી છે

‘‘વાઘ આવ્યો રે વાઘ!'' નાનપણમાં સૌ પ્રથમ આ વાર્તા દરમિયાન વાઘનું કદાચ બીક લાગે એવું વર્ણન સાંભળવા મળતું. જોકે આ વાર્તા નો ઉદ્દેશ્ય એવો હતો કે મજાકમાં પણ ખોટી વાતો કે અફવા ફેલાવવી નહીં. થોડાં વર્ષો પછી વાઘોને સર્કસમાં અને પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં કેદ થયેલાં જોયાં. કેન્દ્ર સરકારે સર્કસમાં વાઘોનાં પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનું નોટિફિકેશન ૧૯૯૧ માં જાહેર કરેલ, પરંતુ સર્કસ માલિકોના ફેડરેશનોએ તે હુકમને સર્વોચ્ચ અદાલતમાં ચેલેન્જ કરેલ. ૨૦૦૧ માં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આ હુકમને યોગ્ય ગણવામાં આવેલ, તેથી છેલ્લાં ૨૫ વર્ષોથી સર્કસમાં વાઘોને પ્રદર્શિત કરવામાં આવતાં નથી. તે સમયે સિંહો, દીપડા, રીંછ અને વાંદરા નાં પ્રદર્શન પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ૨૦૧૭ થી હાથી સહિત બધાં જ વન્ય પ્રાણીઓને સર્કસ માં ખેલ-પ્રદર્શન કરવા ઉપર પ્રતિબંધ મુકેલ છે.
૧૯૮૬માં મેં ગીરનાં જંગલમાં એશિયાઈ સિંહો ની તથા બીજાં વન્યજીવોની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી શરૂ કરી. ત્યાર બાદ એકાદ દાયકા પછી રાજસ્થાનના રણથંભોર, મધ્યપ્રદેશનાં બાંધવગઢ અને કાન્હા ટાઈગર રિઝર્વસ માં તેમનાં કુદરતી આવાસમાં વિહરતા અતિશય આકર્ષક વાઘોને નજીકથી નિહાળવાનું અને ફોટોગ્રાફી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સોનેરી કેસરી અને સફેદ રંગો પર કાળા પટ્ટાવાળી રેશમ જેવી સુંવાળી અને ચમકતી ફર, ગોળાકાર મુખ પર મોટી આંખો, મોટાં શક્તિશાળી જડબાઓમાં આઠ થી દસ સેન્ટીમીટર નાં ચાર રાક્ષી દાંત, ત્રણ મીટર લંબાઈ, ૨૫૦ કિલોગ્રામ વજન, ૧.૧ મીટર ઊંચાઈ ધરાવતું સશક્ત તાાયુબદ્ધ સુડોળ શરીર...વાઘને વનમાં એક વખત જોઈએ તો જીવનપર્યંત યાદ રહી જાય! બિલાડી કુળની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ અને સર્વોચ્ચ શિકારી પ્રાણી હોવાં છતાં જેટલી વખત જોઈએ તેટલી વખત તેનાં પર માત્ર પ્રેમ જ આવે.
અત્રે એક અત્યંત રોમાંચક અને બેજોડ સત્ય ઘટના યાદ આવે છે. અમારા એક વડીલ મિત્ર શ્રી કુંજભાઈ ત્રિવેદી વર્ષોથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરતાં હતાં. શોખથી ફોટોગ્રાફી કરતા હતાં, પરંતુ તેમણે આફ્રિકા, અલાસ્કા તથા ભારતનાં જંગલોમાં લીધેલ અતિ સુંદર અને અલભ્ય તસવીરો જોઈને પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ ની પણ આંખો ચાર થઈ જાય! તેઓ તથા બીજાં વડીલ મિત્ર શ્રી કાકુભાઈ કોઠારી વર્ષોથી સાથે ફોટોગ્રાફી કરવા જતાં. કાકુભાઈ પણ શોખથી ફોટોગ્રાફી કરતાં પરંતુ કદાચ વિશ્વમાં કોઈ પાસે ન હોય તેવી વાઘોની દુર્લભ તસવીરો તેમણે લીધેલ છે. તેઓ બંને બાંધવગઢ માં અલગ અલગ હાથી પર બેસીને ફોટોગ્રાફી કરતાં. તેઓ પાસે કેમેરાઓ અને મોટાં લેન્સીસ (સાધનો) એટલાં બધાં હોય કે બીજી કોઈ વ્યક્તિને બેસવાની જગ્યા જ ન રહે, તેથી બે હાથીઓ કરવા પડતાં. હાથી પર હોય તેથી બીજો ફાયદો તે થાય કે વાઘ ની નજીક જઈ શકાય. વાઘો હાથીઓથી ટેવાયેલા હોય એટલે તેમની બિહેવિયર સામાન્ય રહે.
એક વખત એક મોટી વાઘણ બેઠી હતી. તેનાં બે બચ્ચાંઓ પાછળ ઝાડીમાં હતાં. કુંજભાઈ તથા કાકુભાઈ તેની જુદાં જુદાં એન્ગલ્સ થી ફોટોગ્રાફી કરી રહ્યાં હતાં. કુંજભાઈ નો હાથી જયાં હતો, ત્યાં થોડી ભેજવાળી જમીન હતી. ઉપરથી સુકાઈ ગયેલી પરંતુ અંદરથી પોચી જમીનમાં હાથીનો એક પગ પડતાં થોડો ખુંચી ગયો અને હાથી નમી ગયો. અચાનક આવું થતાં કેમેરામાં ધ્યાન આપી રહેલાં કુંજભાઈ નું બેલેન્સ ગયું અને તેઓ કેમેરા સાથે હાથી અને વાઘણની વચ્ચે જ ગબડી પડયાં! આંખનાં પલકારામાં કયારેય કલ્પના ન કરેલ હોય તેવી કટોકટી સર્જાઈ! મહાવતો પણ ગભરાઈ ગયાં! આ સમયે બંને મિત્રોનો અનુભવ અને કાકુભાઈ નો ધૈર્યપૂર્ણ સ્વભાવ કામ આવ્યાં. તેમણે મહાવતને કહ્યું કે હાથીને કુંજભાઈ અને વાઘણની વચ્ચે લઈ જાય. કુંજભાઈ નાં હાથીનાં મહાવતને કહ્યું કે તેનાં હાથીને બેસાડી, કુંજભાઈને ઉપર ચડવામાં મદદ કરે. આ બધું ગોઠવાય એટલી ઘડી કુંજભાઈ શાંતિથી ઊભાં હતાં! તેમને હાથી પર લેવા માટે મહાવતે હાથ લાંબો કર્યો, ત્યારે સૌ પ્રથમ કુંજભાઈએ શું કર્યું હશે તેની કલ્પના કરી શકો? તેમણે સૌ પહેલાં જમીન પરથી કેમેરા ઉપાડ્યો અને મહાવત ને આપ્યો, પછી જ પોતે હાથી પર ચડયાં!!! દરમિયાનમાં વાઘણ પણ તેની જગ્યાએ શાંતિથી બેઠી રહેલ.
આ સત્ય ઘટના એ દર્શાવે છે કે વાઘ જેવું સર્વોચ્ચ શિકારી પ્રાણી, મોકો મળે તો પણ મનુષ્ય પર હુમલો કરતું નથી. તેનો ખોરાક ચોપગા પ્રાણીઓ છે, મનુષ્ય નથી. કાકુભાઈ જણાવે છે કે સિંહ-વાઘ માત્ર ભૂખ્યાં થાય ત્યારે જ શિકાર કરે છે, જ્યારે મનુષ્યનું પેટ કયારેય ભરાતું જ નથી! વન્ય પ્રાણીઓને જો ડિસ્ટર્બ કરવામાં આવે, તો જ તેઓ સ્વબચાવમાં કે ગુસ્સાથી હુમલો કરે! છેલ્લાં એક-દોઢ મહિનામાં અહીં મનુષ્યો અને ગીરનાં સિંહો વચ્ચે ઉપરાઉપરી સાત-આઠ જેટલાં ઘર્ષણ નાં દુઃખદ બનાવો બન્યાં છે. કેટલાંક લોકો કહે છે કે સિંહો હવે હુમલાખોર થઈ ગયા છે, તેમનો સ્વભાવ બદલાઈ ગયો છે, પરંતુ આ બાબત સત્ય નથી. મોટાભાગનાં બનાવો સિંહોને છંછેડવાથી થયેલ છે. થોડી કાળજી રાખીએ તો વર્ષોથી મનુષ્યો અને સિંહોનું જેમ શાંતિપૂર્ણ સહજીવન રહ્યું છે, તેમ ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે.
હાલ વિશ્વનાં ૧૦ દેશોમાં ૫,૫૭૪ વાઘ છે. તેમાંથી આશરે ૭૦ ટકા - ૩,૬૮૨ વાઘ ભારતનાં ૧૮ રાજ્યોનાં ૮૪,૪૦૦ વર્ગ કિલોમીટરનો, એટલે કે સમગ્ર ભારતનો ૨.૩ ટકા વિસ્તાર ધરાવતાં ૫૮ ટાઈગર રિઝર્વસ માં છે. મધ્યપ્રદેશનાં ૯ આરક્ષિત વિસ્તારોમાં ભારતનાં કોઈપણ રાજ્યનાં સૌથી વધુ ૭૮૫ વાઘ રહે છે. કર્ણાટક અને ઉત્તરાખંડમાં અનુક્રમે ૫૬૩ અને ૫૬૦ વાઘ છે.
ગુજરાતમાં એક સમયે વાઘો હતાં, જે શિકાર તથા અન્ય કારણોસર વિલુપ્ત થઈ ગયાં. ગુજરાતનો આખરી વાઘ ડાંગ જિલ્લાનાં વઘઈમાં ૧૯૮૩ માં મળત હાલતમાં મળી આવેલ. ગુજરાતને અડીને આવેલાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વાઘો છે. તેમાંથી કયારેક એકાદ વાઘની આવ-જા નોંધાયેલ છે, પરંતુ ૨૦૨૫ નાં ફેબ્રુઆરી મહિનામાં એક યુવાન વાઘ મધ્યપ્રદેશનાં વિંધ્યાચલ વન્ય કોરિડોર માંથી આશરે ૩૦૦ કિલોમીટર દૂરથી દાહોદ જિલ્લાનાં રતનમહાલ વન્યજીવ અભયારણમાં આવેલ છે. રાજ્ય સરકારનાં વન વિભાગ અને બિન-સરકારી સંસ્થાઓના પ્રયત્નોથી આ વાઘ અહીં સ્થાયી થઈ ગયો છે. સરકારે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) પાસે એક માદાની માંગણી કરેલ છે, જેથી આ વાઘનાં પરિવારને અહીં વસાવી શકાય. એનટીસીએ દ્વારા ગુજરાતનાં વાઘને માન્યતા મળી ગયેલ છે. આમ આપણું રાજ્ય સમગ્ર વિશ્વમાં એકમાત્ર રાજ્ય બની ગયું છે કે જયાં જાજરમાન સિંહ અને સુંદર વાઘ બંને છે. આશા છે કે નજીકના ભવિષ્યમાં ગુજરાતને પણ ટાઈગર સ્ટેટ નો દરજ્જો મળી જશે.
એશિયાઈ સિંહ ગુજરાતનું સ્ટેટ એનિમલ છે અને રોયલ બેંગાલ ટાઇગર ભારતનું નેશનલ એનિમલ છે. આ બંને ગુજરાતમાં હોવા તે આપણાં માટે ગર્વની બાબત છે, સાથે સાથે આ સર્વોચ્ચ શિકારી પ્રજાતિઓનું સંરક્ષણ, સંવર્ધન અને મનુષ્યો સાથે ઘર્ષણ નિવારી શકાય, તે રીતે લાંબા ગાળાનું વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે.
વાઘની સુંદરતા અને તેનાં શરીરનાં ભાગોની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ માંગ હોવાથી તેનો ગેરકાનુની શિકાર થઈ રહેલ છે. તેનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જાગળતિ ફેલાવવા ૨૦૧૦ થી આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, નાગપુર, મહારાષ્ટ્ર ખાતે ૨૯ જુલાઈ ૨૦૨૬ રોજ, વિશ્વનાં અનેક વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો એકઠાં થઈ, વાઘો નાં સુરક્ષિત ભવિષ્ય માટે વિચાર-વિમર્શ કરી વૈશ્વિક પોલીસી ઘડશે.
અકિલાના વાઘ પ્રેમી વાંચકોને ઇન્ટરનેશનલ ટાઇગર ડે ની અનેક શુભેચ્છાઓ. (ર.ર)
આલેખન અને તસવીરો
ભૂષણ પંડ્યા
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર
મો. નં.૯૪૨૮૨ ૦૩૧૧૭
ઇમેઇલઃ bhushanncl @yahoo.co.in
સાભાર પૂરક માહિતીઃ
ડો. કૌશિકભાઈ બેનર્જી

(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
