<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

૧૩ લાખથી વધુ PM-JAY કાર્ડબંધઃ ઈમરજન્‍સી સારવારમાં મુશ્‍કેલી

વેલિડેટી પૂરી થયા બાદ લાભાર્થી કાર્ડ એક્‍ટિવ કરાવતાં નથી : મેડિકલ ઈમરજન્‍સી સમયે બંધ કાર્ડ ચાલુ કરાવવા થતી દોડાદોડી

અમદાવાદ,તા.૩૦: ગુજરાતમાં ૧૩ લાખ કરતાં વધુ પીએમ-જેએવાય ઉર્ફે મા કાર્ડ બંધ થઈ ગયા છે, આ કાર્ડ ત્રણ વર્ષની વેલિડિટી પૂરી થઈ હોવાથી ડિ-એક્‍ટિવ થયા છે. જેના કારણે જ્‍યારે ગંભીર તબીબી ઈમરજન્‍સીની સ્‍થિતિમાં જે તે દર્દીના સગાને કાર્ડ એક્‍ટિવ કરાવવા માટે કામે લાગવું પડે છે અને કાર્ડ એક્‍ટિવ ન થાય ત્‍યાં સુધી રોકડ નાણાં ખર્ચીને સારવાર કરાવવાની નોબત ઊભી થવાના કિસ્‍સા સામે આવે છે.

રાજ્‍યના આરોગ્‍ય વિભાગના સૂત્રો કહે છે કે, અત્‍યારે આશરે ૧૩ લાખ કરતાં વધારે મા કાર્ડ બંધ પડયા છે. આવકના દાખલા સહિતના પુરાવા આધારે પીએમજેએવાય કાર્ડ ઈશ્‍યૂ કરાય છે, જેમાં હૃદય રોગ, કિડની, કેન્‍સર સહિતની ગંભીર બીમારીમાં દસ લાખની કેશલેસ સારવાર મળે છે. આવકના દાખલાની મર્યાદા ત્રણ વર્ષની હોય છે, એ પછી દાખલો રિન્‍યુ કરાવીને સબમિટ ન કરાય તેવા સંજોગોમાં કાર્ડની વેલિડિટી આપોઆપ પૂરી થતી હોય છે. જે લાભાર્થીના મા કાર્ડ બંધ થયા હોય તે માન્‍ય આવકના દાખલા સાથે જરૂરી કામગીરી-પ્રક્રિયા કરીને કાર્ડ ફરીવાર એક્‍ટિવ કરાવી શકે છે. કાર્ડ ડિ-એક્‍ટિવ થયા હોય તેમણે કાર્ડ શરૂ કરાવવા જોઈએ, જેથી મેડિકલ ઈમરજન્‍સીના સમયે કોઈ તકલીફ ન પડે. લોકોમાં જોઈએ એટલી જાગૃતિ ન હોઈ આ સ્‍થિતિ ઊભી થતી હોવાનું સૂત્રો કહે છે. મહત્ત્વનું છે કે, રાજ્‍યમાં પીએમજેએવાય અંતર્ગત ત્રણ વર્ષમાં ૬૯૬૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે એટલે કે આ નાણાં લોકોની સારવાર માટે વપરાયા છે, એકલા અમદાવાદમાં જ ૧૫૧૫ કરોડ જેટલો ખર્ચ થયો છે. રાજ્‍યમાં મા યોજનામાં ૨.૭૩ કરોડ જેટલા લોકોને આવરી લેવામાં આવ્‍યા છે. તાજેતરમાં જ દર્દીઓ અને તેમના સગા તરફથી એવી માગ પણ કરવામાં આવી હતી કે, ગુજરાતમાં મા યોજનામાં સારવારની રકમ ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરાઈ છે, આ નિર્ણય બાદ હવે નવી સારવારના પેકેજ સામેલ કરવા જોઈએ. 

(1:26 PM IST)