<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં વધુ એક પુરુષ શ્રમિકનું મોડી રાત્રે મોત :કુલ મૃત્યુઆંક 10 થયો

દુર્ઘટનામાં હજુ પણ 4 લોકો સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસે ઘટના અંગે આગળની કાનૂની તપાસ હાથ ધરી

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ ધમાકા કેસમાં વધુ એક માઠો સમાચાર સામે આવ્યો છે. વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયેલા વધુ એક શ્રમિકે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. આ સાથે જ આ કરૂણ હોનારતમાં કુલ મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, રામોલ સ્થિત ફેક્ટરીમાં થયેલા અગ્નિતાંડવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક પુરુષ શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દર્દી આશરે 90 ટકા જેટલો ગંભીર રીતે દાઝી ગયો હતો. તબીબોની ભારે મથામણ અને સતત સારવાર છતાં મોડી રાત્રે આ શ્રમિકનું કરુણ મોત નિપજ્યું હતું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને તબીબી ટીમ દ્વારા બાકીના ઈજાગ્રસ્તોને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દૂર્ઘટનામાં હજુ પણ 4 જેટલા લોકો સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ હજુ પણ નાજુક બતાવવામાં આવી રહી છે.

પોલીસ અને એફએસએલ ટીમ દ્વારા ફટાકડાની ફેક્ટરીમાં સુરક્ષાના સાધનો અને જરૂરી પરવાનગી અંગેની ઉંડાણપૂર્વકની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

(1:01 PM IST)