તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
IIT ગાંધીનગરના શિરે વધુ એક સુવર્ણચંદ્રક: કેમિકલ એન્જિનિયરિંગના પ્રો. ડૉ. મિથુન રાધાકૃષ્ણનને પ્રતિષ્ઠિત 'રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર-2026'; નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે થશે બહુમાન!
દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી પસંદ કરાયેલા માત્ર ૨૧ સર્વશ્રેષ્ઠ પ્રોફેસરોની યાદીમાં સ્થાન મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું; ઓનલાઈન શિક્ષણ અને AI યુગમાં 'વિચારવાની નવી દિશા' આપવા બદલ સન્માન.

ગાંધીનગર, તા.૦૪: શિક્ષણ, શ્રેષ્ઠ સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (IIT-GN) માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ આવી પહોંચી છે. સંસ્થાના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. મિથુન રાધાકૃષ્ણનની દેશના સર્વોચ્ચ 'રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર-2026' (National Award to Teachers 2026) માટે પસંદગી કરવામાં આવી છે. આવનારી ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસના પવિત્ર અવસરે નવી દિલ્હી ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવશે. નોંધનીય છે કે આખા દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી આ એવોર્ડ માટે માત્ર ૨૧ શ્રેષ્ઠ શિક્ષકોની જ પસંદગી થઈ છે, જેમાં ડૉ. રાધાકૃષ્ણનનું નામ સામેલ છે.
મિત્રો સાથે ચર્ચાથી શરૂ થઈ અધ્યાપન અને રિસર્ચની સફર
આ અભૂતપૂર્વ સન્માન બદલ ખુશી વ્યક્ત કરતા ડૉ. મિથુને પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું કે, B.Tech ના અભ્યાસ દરમિયાન પરીક્ષા પહેલા મિત્રો સાથે જટિલ વિષયો સરળ ભાષામાં સમઝાવતી વખતે તેમને ખ્યાલ આવ્યો હતો કે ભણાવવું એ તેમનો સાચો પ્રેમ છે. કર્ણાટકની સદવિદ્યા માધ્યમિક શાળાના શિક્ષકો, કોલંબિયા યુનિવર્સિટીના તેમના PhD માર્ગદર્શક પ્રોફેસર સનત કુમાર અને IIT બોમ્બેના પ્રોફેસર અનિલ કુમાર સાથેની ફેલોશિપે તેમનામાં સંશોધન પ્રત્યેનો ઉત્સાહ અને નવો દ્રષ્ટિકોણ જગાડ્યો હતો.
IIT ગાંધીનગરમાં નવતર પ્રયોગો અને 'AI યુગ' પર દ્રષ્ટિકોણ
ડૉ. રાધાકૃષ્ણન શિક્ષણને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત રાખવાને બદલે વાસ્તવિક જીવન સાથે સાંકળવામાં માને છે. તેમણે IIT-GN ખાતે 'મોલેક્યુલર સિમ્યુલેશન' અને 'ફાઈનાન્સિયલ મોડેલિંગ' જેવા બહુવિધ અને આધુનિક અભ્યાસક્રમો શરૂ કર્યા છે.
આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં શિક્ષકની બદલાતી ભૂમિકા વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "આજે ઇન્ટરનેટ પર તમામ માહિતી ઉપલબ્ધ છે, તેથી શિક્ષકનું કામ હવે માત્ર ફેક્ટ્સ કે ડેટા આપવાનું નથી રહ્યું. આજના સમયમાં શિક્ષકની સાચી જવાબદારી વિદ્યાર્થીઓને વધુ સારા અને તાર્કિક પ્રશ્નો પૂછતા શીખવવાની તેમજ તેમનામાં સાચો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાની છે." પોતાના પ્રથમ PhD વિદ્યાર્થીનું IIT ખડગપુરમાં પ્રોફેસર તરીકે ચયન થવું એ તેઓ પોતાના જીવનની સૌથી યાદગાર ક્ષણ ગણાવે છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
