<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

લખનૌ અને કેન્યાની દુર્ઘટનાના દિવંગતોને પૂ. મોરારિબાપુની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ : પીડિત પરિવારો માટે કુલ રૂ. ૫.૭૦ લાખની સહાય જાહેર

ઉત્તરપ્રદેશના કોચિંગ ક્લાસની આગ અને આફ્રિકાના કેન્યામાં ખાણ-મકાન ધરાશાયી થવાની દુર્ઘટનાના મૃતકોના આશ્રિતોને આર્થિક મદદ અર્પણ કરાશે

 તલગાજરડા:  પ્રખ્યાત રામકથાકાર પૂ. મોરારિબાપુએ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ અને આફ્રિકાના કેન્યામાં સર્જાયેલી બે અલગ-અલગ કરુણ દુર્ઘટનાઓમાં અકાળે મોતના મુખમાં ધકેલાયેલા દિવંગતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુએ આ બંને ઘટનાઓથી વ્યથિત થઈને હનુમાનજીની સાંત્વના પ્રસાદી રૂપે પીડિત પરિવારો માટે કુલ રૂપિયા ૫,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ જાહેર કરી છે. તેમણે તમામ દિવંગત આત્માઓના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી શોકાતુર પરિવારોને દિલસોજી પાઠવી છે.

 

 લખનૌ અગ્નિકાંડના મૃતક વિદ્યાર્થીઓ માટે રૂ. ૨,૨૫,૦૦૦ ની સહાય:

ઉત્તરપ્રદેશના લખનૌમાં એક કોચિંગ ક્લાસમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં ૧૫ વિદ્યાર્થીઓના કરુણ અને અકાળે અવસાન થયાના સમાચાર મળતાં જ પૂ. મોરારિબાપુએ ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. પૂ. બાપુ દ્વારા તમામ દિવંગત થયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને પ્રત્યેક દીઠ રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા ૨,૨૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે. આ સહાયની રકમ રામકથાના શ્રોતાઓ મારફત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

 

 કેન્યાની બેવડી આફતમાં જીવ ગુમાવનારાઓ માટે રૂ. ૩,૪૫,૦૦૦ ની મદદ:

બીજી તરફ, આફ્રિકાના પશ્ચિમ કેન્યાના પોકોટ વિસ્તારમાં એક મોટી ખાણ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ૧૯ લોકોના કાળમુખા મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત કેન્યાના જ કાજીઆડો પ્રાંતમાં એક મકાન ધરાશાયી થવાની અન્ય એક ઘટનામાં ૪ લોકો કાળનો કોળિયો બન્યા હતા. આમ, કેન્યાની આ બંને દુર્ઘટનાઓમાં કુલ ૨૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાઓની માહિતી મળતાં જ પૂ. મોરારિબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા ૩,૪૫,૦૦૦ ની આર્થિક સહાયતા જાહેર કરી છે. આ સહાય રાશિ રામકથાના નાઇરોબી સ્થિત શ્રોતાઓ દ્વારા સ્થાનિક ચલણમાં પીડિત પરિવારો સુધી પહોંચાડી દેવામાં આવી છે.

(3:53 PM IST)