<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

ચોમાસું પકડશે જોર! ૧૧ જિલ્લામાં વરસાદની આગાહીઃ ૨-૩ જુલાઈએ ભારે પૂરનું સંકટ

૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી

અમદાવાદ : ગુજરાતમાં થોડા સમય માટે ધીમું પડેલું ચોમાસું આગામી દિવસોમાં ફરીથી પોતાની ગતિ પકડવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી ૭ દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ, તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આવતીકાલે એટલે કે ૨૮ જૂને સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજ્યમાંથી પસાર થઈ રહેલા ટ્રફના કારણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે જ રાજ્યના ૨૪ જિલ્લાઓ અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આવતીકાલે ક્યાં-ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે. જેમાં ખાસ કરીનેઃ

સૌરાષ્ટ્રઃ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

મધ્ય ગુજરાતઃ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતઃ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

સંઘ પ્રદેશઃ આ ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જોકે, સૌથી મોટી આગાહી ૨ અને ૩ જુલાઈ માટે કરવામાં આવી છે. હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ બે દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડી શકે છે.

ભારે વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે તોફાની પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ અને દરિયામાં તોફાનની શક્યતાને જોતાં ૧ જુલાઈના રોજ માછીમારોને પોતાની સુરક્ષા ખાતર દરિયામાં ન જવાની ખાસ સૂચના આપવામાં આવી છે.

(11:23 AM IST)