તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી શરૂ થશે: સત્તાવાર જાહેરનામું
ત્રણ દિવસ સુધી ચાલનારા સત્ર દરમિયાન અનેક કાયદાકીય અને સરકારી કામકાજ હાથ ધરાશે: જનહિતના વિવિધ મુદ્દાઓ, જીએસટી સુધારા વિધેયક અને ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટહુકમ પણ ગૃહમાં રજૂ કરાશે

ગુજરાતમાં શાસકીય અને કાયદાકીય કામગીરીને વેગ આપવા માટે ગુજરાત વિધાનસભાના 'ચોમાસું સત્ર'ની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા 15મી વિધાનસભાના આ સાતમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. રાજ્યપાલશ્રીના આદેશ બાદ ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા ચોમાસું સત્ર સંબંધિત સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આપેલી માહિતી અનુસાર, આ ચોમાસું સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહત્વપૂર્ણ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અનેક કાયદાકીય અને સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, સત્ર દરમિયાન જનહિતના વિવિધ મુદ્દાઓ, જીએસટી સુધારા વિધેયક અને ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટહુકમ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
વિધાનસભાના નિયમો અનુસાર, સત્ર દરમિયાન પ્રજાના પ્રશ્નો અને વિસ્તારની સમસ્યાઓ ગૃહ સમક્ષ મૂકવા માટે ધારાસભ્યોને સમય આપવામાં આવ્યો છે. રાજ્યના તમામ ધારાસભ્યો આગામી ૨૦ ઓગસ્ટ સુધીમાં પોતાના પ્રશ્નો ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી વિધાનસભા સચિવાલયમાં મોકલી શકશે. આ પ્રશ્નોના જવાબો સંબંધિત વિભાગના મંત્રીઓ દ્વારા સત્ર દરમિયાન આપવામાં આવશે
સત્રના સુચારુ સંચાલન અને દૈનિક કામગીરીની રૂપરેખા નક્કી કરવા માટે 6 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં સત્ર દરમિયાન રજૂ થનારા વિધેયકો, ચર્ચાઓ માટેનો સમય અને દિવસવાર કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરીને આખરી ઓપ આપવામાં આવશે. રાજ્ય સરકાર માટે આ ચોમાસું સત્ર નીતિવિષયક નિર્ણયો અને મહત્વના કાયદા પસાર કરાવવાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
