તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
આગામી 48 કલાકમાં કેરળ કાંઠે ચોમાસાના આગમનના એંધાણ :ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે મેઘરાજાની થશે ધમાકેદાર એન્ટ્રી
29 અને 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે: અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ :રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાહતના સમાચાર સામે આવ્યા છે.
તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં કેરળ કાંઠે ચોમાસાના આગમનના એંધાણ દેખાઈ રહ્યા છે. જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો દક્ષિણ ભારતમાં ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરી શકે છે, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસાની ગતિ તેજ બનવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ પણ પડી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 29 અને 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હળવા વરસાદ અથવા છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જૂનની શરૂઆતમાં જ તોફાની પવન સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. હવામાનમાં આ ફેરફારને કારણે લોકોને ગરમીમાંથી મોટી રાહત મળવાની આશા છે.
હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે અરબી સમુદ્રમાં 28 મેથી લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ચોમાસાની ગતિ વધુ ઝડપી બની શકે છે અને ગુજરાતમાં વહેલા વરસાદી માહોલનું નિર્માણ થઈ શકે છે.
રાજ્યના ખેડૂતો માટે પણ આ આગાહી આશાજનક માનવામાં આવી રહી છે, કારણ કે સમયસર ચોમાસું આવે તો ખેતીની તૈયારીઓને ગતિ મળશે. હાલમાં લોકો ગરમીથી રાહતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
