<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ગુજરાતમાં ચોમાસાનો તોફાની પ્રારંભ : રાજ્યમાં સરેરાશ ૨૪.૪૪ ટકા વરસાદ સાથે દક્ષિણ ગુજરાત જળબંબોળ : છેલ્લા 24 કલાકમાં પલસાણામાં સૌથી વધુ ૧૮.૧૯ ઇંચ ખાબક્યો

સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયોમાં પાણીની ભારે આવક : શેત્રુંજી અને ધોળાદેવી સહિત ૧૧ ડેમ હાઈ એલર્ટ પર : ૪૮૨ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ : ૧૫૭૮ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું : ખરીફ વાવેતરમાં તેજી - ૧૮.૫૪ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસુ-૨૦૨૬ની સિઝન અત્યંત વેગવંતી બની રહી છે. સત્તાવાર સંકલિત અહેવાલ મુજબ, રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ એકંદર ૨૨૨.૧૦ મિમિ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ ૨૪.૪૪% જેટલો થવા જાય છે. ગત ૨૪ કલાકમાં જ ૨૮ જિલ્લાના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેમાં રાજ્યનો સરેરાશ વરસાદ ૩૬.૩૩ મિમિ નોંધાયો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ૧૧ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ (NDRF) ની ૧૨ ટીમો અને એસડીઆરએફ (SDRF) ની ૨૭ પ્લાટૂન અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ - પલસાણા અને કામરેજ પાણી-પાણી:
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ ૧૮.૧૯ ઇંચ (૪૬૨ મિમિ) અને કામરેજમાં ૧૭.૪૦ ઇંચ (૪૪૨ મિમિ) વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબોળ બન્યો છે. આ ઉપરાંત નવસારીમાં ૧૫.૨૮ ઇંચ (૩૮૮ મિમિ), સુરત શહેરમાં ૧૪.૦૯ ઇંચ (૩૫૮ મિમિ) તેમજ વલસાડના કપરાડામાં ૧૨.૬૮ ઇંચ (૩૨૨ મિમિ) અતિભારે વરસાદ નોંધાયો છે. આજે સવારે ૦૬.૦૦ થી ૧૦.૦૦ કલાકના માત્ર ચાર કલાકમાં પણ વલસાડના કપરાડામાં ૧.૨૬ ઇંચ, નાનાપોંઢામાં ૧.૧૪ ઇંચ, ડાંગમાં ૦.૯૧ ઇંચ, નવસારીના વાંસદામાં ૦.૭૯ ઇંચ અને સુરતના ઉમરપાડામાં ૦.૬૩ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.

સરદાર સરોવર ડેમ ૬૫ ટકા ભરાયો, ૧૧ જળાશયો હાઈ એલર્ટ પર:
ભારે વરસાદને પગલે રાજ્યની જળસંપત્તિમાં ધરખમ વધારો થયો છે. નર્મદા યોજના (SSNL) માં હાલ ૨,૧૮,૦૬૦ એમસીએફટી (mcft) પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના ૬૫.૨૭% છે અને તેમાં ૧૯,૪૪૮ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪૧.૦૫% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાંથી ૫ ડેમ સંપૂર્ણ ૧૦૦% ભરાઈ ગયા છે. ટકાવારી મુજબ ૧૧ ડેમ 'હાઈ એલર્ટ', ૪ ડેમ 'એલર્ટ' અને ૧૦ ડેમ માટે 'વોર્નિંગ' જાહેર કરાઈ છે.
ભાવનગરનો શેત્રુંજી ડેમ ૧૦૦% ભરાઈ જતાં તેમાંથી ૧,૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સિવાય છોટાઉદેપુરનો ધાતરવડી, અમરેલીનો સુરજવાડી, ભાવનગરના માલણ, રોઝકી તથા રંગહોળા, અને તાપીનો દોસવાડા ડેમ પણ હાઈ એલર્ટ પર છે. જ્યારે સુરેન્દ્રનગરના વાંસલ અને ધોળીધજા, જૂનાગઢનો બાંટવા-ખારો તેમજ ગીર સોમનાથનો રાવલ ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

૧,૫૭૮ લોકોનું સ્થળાંતર, ૪૮૨ રસ્તાઓ બંધ થતા વાહનવ્યવહાર ખોરવાયો:
પૂર અને ભારે વરસાદની ગંભીર અસરોના કારણે રાજ્યભરમાંથી કુલ ૧,૫૭૮ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પ્રશાસન દ્વારા ૧૭૪ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાંથી ૬૪૧ લોકોનું સ્થળાંતર અને ૧૧૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથમાંથી ૪૮૦ અને જૂનાગઢમાંથી ૨૯૭ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

બીજી તરફ, માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૪૮૨ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. જેમાં ૭ સ્ટેટ હાઈવે, ૧૪ અન્ય મુખ્ય માર્ગો, ૪૫૯ પંચાયતના રસ્તાઓ અને ૨ નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. સૌથી વધુ અસર નવસારી (૧૨૧ રસ્તા) અને વલસાડ (૧૬૭ રસ્તા) જિલ્લામાં થઈ છે. વાહનવ્યવહાર ઠપ્પ થવા છતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની સ્થિતિ ઘણી અંશે સામાન્ય રહી છે, માત્ર જૂનાગઢ ડિવિઝનમાં ૧ રૂટ અને ૨ ટ્રીપ બંધ રહેતા રૂ. ૧,૪૫૨ની આવકનું નુકસાન થયું છે. વીજ કંપની (GUVNL) દ્વારા પ્રશંસનીય કામગીરી કરીને અસરગ્રસ્ત તમામ ૩,૩૧૫ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે, જો કે હજુ ૧,૨૨૫ વીજ થાંભલા ઊભા કરવાનું કામ બાકી છે.

ખરીફ વાવેતરમાં તેજી - ૧૮.૫૪ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ:
ચોમાસાના સારા પ્રારંભને પગલે રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ખરીફ પાકોનું વાવેતર ઝડપથી વધી રહ્યું છે. તાજેતરના કૃષિ અહેવાલ મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૫૪,૫૬૪ હેક્ટર જમીનમાં પ્રગતિશીલ વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વિસ્તારના ૨૧.૭૪% જેટલું થાય છે. આ વર્ષે મગફળીનું ૬,૨૮,૮૮૮ હેક્ટરમાં (૩૨.૮૩%) અને કપાસનું ૯,૩૧,૯૨૬ હેક્ટરમાં (૩૯.૧%) મસમોટું વાવેતર થઈ ચૂક્યું છે. ડાંગરનું ૩૦,૪૩૫ હેક્ટર અને કઠોળ પાકોનું ૧૫,૪૯૮ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે, જે આગામી દિવસોમાં વધુ વેગ પકડશે.

(1:46 PM IST)