<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

ગુજરાતમાં શિયાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં મિશ્ર માહોલ :સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધશે : આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

ગુજરાતમાં શિયાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી 19 નવેમ્બર સુધી હવામાન સામાન્ય રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ યથાવત્ રહેશે.

હાલમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોને કારણે ગુજરાતના વાતાવરણમાં મિશ્ર અસર જોવા મળી રહી છે. જેના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડક અનુભવાય છે, જ્યારે બપોરે તાપમાનમાં વધારો થતાં ગરમીનો અનુભવ થાય છે. અમદાવાદ શહેરમાં આગામી 24થી 48 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. અહીં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનો અંદાજ છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન હજુ પણ ઊંચું નોંધાઈ રહ્યું છે. રાજકોટમાં સૌથી વધુ 38.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં આશરે 4 ડિગ્રી વધુ છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.


હવામાનની આગાહી અનુસાર દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં 15થી 20 નોટની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં શિયાળાની ઠંડીનો અનુભવ ધીમે ધીમે વધવાની શક્યતા છે. જોકે, આગામી દિવસોમાં ઠંડીમાં મોટો વધારો થવાની આગાહી નથી. એટલે રાજ્યના લોકોને સવારે ઠંડક અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે

(3:40 PM IST)