તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 2nd July 2026
અમદાવાદના વટવા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ :ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી નરાધમ પાડોશીએ હેવાનિયત આચરી
પાડોશી ઈમ્તિયાઝ બાવા યુસુફ શેખે ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું અને કોઈને ન જણાવવા ધમકી આ:સગીરા ઘરે મોડી પહોંચતા પરિવારે પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો:34 વર્ષીય પરિણીત અને ચાર સંતાન ધરાવતા આરોપીની ધરપકડ

અમદાવાદના વટવા વિસ્તારમાંથી એક સગીરા સાથે દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી છે. પાડોશી ઈમ્તિયાઝ બાવા યુસુફ શેખે ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને ન જણાવવા ધમકી આપી હતી. સગીરા ઘરે મોડી પહોંચતા પરિવારે પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. 34 વર્ષીય પરિણીત અને ચાર સંતાન ધરાવતા આરોપીની વટવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
શહેરના વટવા ચાર માળિયા વિસ્તારમાં 13 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. પાડોશમાં રહેતા ઈમ્તિયાઝ નામના શખ્સે સગીરાની માતાને ઘરે કોઈ નથી તો તમારી દીકરીને ચા બનાવવા મોકલો એમ કહીને ઘરે બોલાવી હતી. સગીરા આરોપીના ઘરે પહોંચી ત્યારે નરાધમે પહેલા તેની પાસે ચા બનાવડાવી હતી. ચા બનાવ્યા બાદ આરોપીએ સગીરાને બહારથી નાસ્તો લેવા માટે મોકલી હતી.
સગીરા નાસ્તો લઈને પરત ફરી ત્યારે આરોપીએ શારીરિક અડપલાં કરી બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ સગીરાને કોઈને પણ આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી. દીકરી લાંબા સમય સુધી પરત ન ફરતા માતાને શંકા ગઈ અને તપાસ કરવા આરોપીના ઘરે પહોંચી. ઘરમાં શંકાસ્પદ સ્થિતિ જોયા બાદ પૂછપરછ કરતા ગભરાયેલી સગીરાએ પહેલા કંઈ જણાવ્યું ન હતું.
જોકે બીજે દિવસે એટલે કે 1 જુલાઈએ સગીરાએ પોતાની માતાને સમગ્ર આપવીતી જણાવી દીધી હતી. જે બાદ વટવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે 34 વર્ષીય આરોપી ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે. આરોપી પરણિત છે અને 4 બાળકોનો પિતા છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
