News of Tuesday, 8th September 2026
અમદાવાદની કુબેરનગર ITI ખાતેથી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ‘ગણવેશ સહાય યોજના’નો ભવ્ય પ્રારંભ
બજેટમાં રૂ. ૩૦ કરોડની જોગવાઈ સાથે ૧.૫ લાખ તાલીમાર્થીઓને બે જોડી ગણવેશ માટે DBT મારફતે સીધા રૂ. ૨,૦૦૦ અપાશે : વિદ્યાર્થીનીઓ માટે ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ અને દિવ્યાંગો માટે મુસાફરી સહાયની પણ જાહેરાત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદની કુબેરનગર ITI ખાતેથી રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના તાલીમાર્થીઓ માટે ‘ગણવેશ સહાય યોજના’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા અને ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યની ૨૮૯ સરકારી ITI ના તાલીમાર્થીઓ માટે શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, વ્યાવસાયિકતા, આત્મવિશ્વાસ અને એક આગવી ઓળખ ઊભી કરવાનો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં આ યોજના અન્વયે રૂ. ૩૦ કરોડની જોગવાઈ કરાઈ છે. આ પહેલ હેઠળ અંદાજે ૧.૫ લાખ તાલીમાર્થીઓને વર્ષમાં બે જોડી ગણવેશ પેટે પ્રત્યેક વિદ્યાર્થીના બેંક ખાતામાં DBT મારફતે સીધા રૂ. ૨,૦૦૦ જમા કરાવવામાં આવશે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ વર્ષે ITI માં ૯૦ થી ૯૫ ટકા બેઠકો ભરાઈ ગઈ છે, જ્યારે કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટી (KSU) ખાતે એડવાન્સ્ડ ડ્રોન ટેકનોલોજીની તાલીમ લેતા ૩૫ વિદ્યાર્થીઓમાંથી પચાસ ટકા વિદ્યાર્થીઓ ITI બેકગ્રાઉન્ડ ધરાવે છે.
રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ ના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર ITI સંસ્થાઓને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરી રહી છે, જેથી યુવાનો દેશ-વિદેશમાં રોજગારી મેળવી શકે. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીએ તાજેતરના રોજગાર મેળાઓની સફળતા વર્ણવતા પૂર્વ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુઅર તરીકે પરત ફરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને 'Gen Z' યુવાનોને દેશના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
આ યોજના સાથે રાજ્યની ITI માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓ માટે 'નમો કૌશલ્ય લક્ષ્મી યોજના' હેઠળ પ્રથમ વર્ષે રૂ. ૧૫,૦૦૦ અને બીજા વર્ષે રૂ. ૯,૦૦૦ મળી કુલ રૂ. ૨૪,૦૦૦ ની આર્થિક સહાય તેમ જ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રૂ. ૩,૦૦૦ ની મુસાફરી સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત 'વિશ્વકર્મા કૌશલ્ય સ્પર્ધા' ના વિજેતાઓને જિલ્લા કક્ષાએ રૂ. ૭,૦૦૦, પ્રાદેશિક કક્ષાએ રૂ. ૨૫,૦૦૦ અને રાજ્ય કક્ષાએ રૂ. ૫૦,૦૦૦ ના પુરસ્કારો અપાશે. આ કાર્યક્રમમાં રોજગાર અને તાલીમ નિયામક એ. કે. વસ્તાણી, અધિક નિયામક નીલાંજલા રાજપૂત, ITI પ્રિન્સિપાલ નિરવ દેસાઈ, કોર્પોરેટર સન્ની ખાનચંદાની, શ્રીમતી મંજુલાબહેન ઠાકુર, કમલેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની તમામ ITI ના તાલીમાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
