<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પોરબંદર ચોપાટી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ એક કલાક સુધી શ્રમયજ્ઞ કરી બીચ ક્લિન-અપ ડ્રાઈવમાં જોડાઈને પ્લાસ્ટિક મુક્ત અને પ્રદૂષણ મુક્ત પોરબંદર માટે નાગરિકોને આપ્યો પ્રેરક સંદેશ

સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પણ જીવનશૈલી બનશે તો જ નવું ભારત અને નવું પોરબંદર સર્જાશે: મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા નો નાગરિકોને કચરાનું વિભાજન, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને કચરાપેટી વાપરવા અનુરોધ, મેયર, કલેક્ટર સહિતના અધિકારીઓ-આગેવાનો જોડાયા

અમદાવાદ તા.૫ : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ચોપાટી ખાતે દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ સાથે બીચ ક્લિન-અપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સતત એક કલાક સુધી ચોપાટી પર એક કિલોમીટરથી વધુ વિસ્તારમાં શ્રમયજ્ઞમાં જોડાઈને પોરબંદરવાસીઓને સ્વચ્છ અને સુંદર શહેર-રાજ્ય માટે પર્યાવરણની સુરક્ષા સાથે સ્વચ્છતાનો જીવનમંત્ર કેળવવા પ્રેરક સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે સમર્પિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષના જનસેવા, વિકાસ અને વિશ્વાસના કાર્યકાળની પણ ઉજવણી થઈ રહી છે. સમગ્ર દેશમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પર્યાવરણની સુરક્ષા માટે જનજાગૃતિ સાથે જનસેવાના કાર્યો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં વહીવટી તંત્ર, સંગઠનના કાર્યકર્તાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, જાગૃત નાગરિકો અને વન વિભાગના સહયોગથી બીચ ક્લિન-અપ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ. જો દરેક નાગરિક સ્વચ્છતાને પોતાના જીવનનો મંત્ર બનાવે તો આવનારી પેઢી માટે સ્વચ્છ, હરિયાળું અને રહેવા લાયક સુંદર-સ્વચ્છ ભારત, ગુજરાત અને પોરબંદરનું નિર્માણ કરી શકાશે. તેમણે નાગરિકોને કચરો જાહેર સ્થળોએ ન ફેંકવા, કચરાપેટીનો ઉપયોગ કરવા, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા તથા કચરાના વિભાજન પર ભાર મૂકવા અપીલ કરી હતી. સાથે જ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પર્યાવરણના સંરક્ષણ અને સ્વચ્છતાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

 

કાર્યક્રમ દરમિયાન વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોએ દરિયાકિનારેથી પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરી દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ, પર્યાવરણ જતન અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. બ્રહ્માકુમારી સંસ્થા, શહેરની પર્યાવરણ જાગૃતિ સંસ્થાઓ, મહાનગરપાલિકા સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને મંત્રીશ્રીએ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત શહેરના નિર્માણ માટે કાર્યરત સૌને શુભકામના પાઠવી હતી. મંત્રીશ્રીએ સફાઈ કામદારોને પણ પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ બીચ ક્લિન-અપ ડ્રાઈવમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર  સાગર મોદી, ડેપ્યુટી મેયર  મનીષ શિયાળ, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા હાજર રહ્યા હતા. તેમની સાથે નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહિલ સહિતના આગેવાનો, વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકોએ પણ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

(3:44 PM IST)