<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

બેન્‍કિંગ ચાર્જ માટે પ્રતિ યુનિટ લઘુતમ રૂ.૦.૫૦થી મહત્તમ દર રૂ.૧.૫૦ રાખવાની જોગવાઈ

ગુજરાત ઇલેક્‍ટ્રિસિટી રેગ્‍યુલેટરી કમિશન-GERC દ્વારા ડ્રાફટ નોટિફિકેશન જાહેર કરાયું

અમદાવાદ,તા.૨૬: ગુજરાતમાં રિન્‍યુએબલ એનર્જી (સૌર અને પવન ઊર્જા)નો ઉપયોગ કરતા ઓપન એક્‍સેસ ગ્રાહકો માટે GERC દ્વારા મહત્‍વપૂર્ણ ડ્રાફટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું છે. કમિશને ‘ગુજરાત ઇલેક્‍ટ્રિસિટી રેગ્‍યુલેટરી કમિશન (ગ્રીન એનર્જી ઓપન એક્‍સેસ માટેની શરતો અને નિયમો) (છઠ્ઠો સુધારો) રેગ્‍યુલેશન્‍સ, ૨૦૨૬'નો ડ્રાફટ પ્રસિદ્ધ કર્યો છે.

આ નવા સુધારા હેઠળ ગ્રીન એનર્જી બેન્‍કિંગ ચાર્જના દરો અને તેની ગણતરી માટેની પદ્ધતિમાં મોટા ફેરફારો સૂચવવામાં આવ્‍યા છે. જેની સીધી અસર રાજ્‍યની સરકારી અને ખાનગી વીજ કંપનીઓ તેમજ ઓપન એક્‍સેસ ગ્રાહકો પર પડશે. ૧, સપ્‍ટેમ્‍બર ૨૦૨૬થી ૩૧, માર્ચ ૨૦૨૭ સુધીના ગાળા માટે બેન્‍કિંગ ચાર્જ રૂ.૧.૦૦ પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવ્‍યો છે. ૧લી, એપ્રિલ ૨૦૨૭ પછીના સમયગાળા માટે દર વર્ષે નવી વૈજ્ઞાનિક ફોર્મ્‍યુલા અને વિગતવાર ડેટાના આધારે કમિશન દ્વારા નવા બેન્‍કિંગ ચાર્જ નક્કી કરવામાં આવશે.

ગ્રાહકો અને વીજ કંપનીઓમાં અનિヘતિતા ન રહે તે માટે કમિશને બેન્‍કિંગ ચાર્જ માટે લઘુતમ દર રૂ. ૦.૫૦ પ્રતિ યુનિટ અને મહત્તમ દર રૂ. ૧.૫૦ પ્રતિ યુનિટ રાખવાની જોગવાઈ કરી છે. રાજ્‍ય સરકાર હસ્‍તકની DGVCL, PGVCL, MGVCL જેવી UGVCL તેમજ નાના ડિસ્‍ટ્રિબ્‍યુશન લાયસન્‍સધારકો માટે કમિશન એક સમાન બેન્‍કિંગ ચાર્જ લાગુ કરવા અંગે વિચારણા કરી શકે છે.

જ્‍યારે કોઈ ઓપન એક્‍સેસ ગ્રાહક કે વિન્‍ડ-સોલાર પાવર પ્રોડ્‍યુસર પોતાની જરૂરિયાત કરતાં વધુ વીજળી ઉત્‍પન્ન કરે છે ત્‍યારે તે વધારાની વીજળી ગ્રીડમાં જમા-Store કરાવે છે અને જ્‍યારે જરૂર હોય ત્‍યારે પાછી મેળવે છે. આ પ્રક્રિયાને વીજળીનું બેંકિગ કહેવાય છે. જેમ બેંકમાં પૈસા રાખવા કે ટ્રાન્‍ઝેક્‍શન કરવા બદલ બેંક આપણી પાસેથી ચાર્જ વસૂલે છે તેવી જ રીતે વીજ કંપનીઓ-DISCOMs આ વધારાની વીજળી સાચવવા અને તેને પાછી આપવાની સુવિધા બદલ જે ફી કે કમિશન લે છે, તેને બેંકિગ ચાર્જ કહે છે. આ ચાર્જ સામાન્‍ય રીતે અમુક પૈસા પ્રતિ યુનિટ અથવા જમા કરાયેલી વીજળીના અમુક ટકા સ્‍વરૂપે હોય છે.

(1:36 PM IST)