News of Tuesday, 21st July 2026
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ડ્રગ્સની મિની ફેક્ટરી ઝડપાઈ: MD ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતા રસાયણનો જથ્થો જપ્ત
રહેણાંક મકાનમાંથી ડ્રગ્સના ઉત્પાદન સાથે જોડાયેલા રસાયણો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ડ્રગ્સની મિની ફેક્ટરી ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. દિલ્હી અને સુરતની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમોએ ભાવના ફાર્મ સોસાયટીમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક મકાનમાંથી ડ્રગ્સના ઉત્પાદન સાથે જોડાયેલા રસાયણો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, DRIની કાર્યવાહી દરમિયાન 2-બ્રોમો-4-મેથાઇલપ્રોપિયોફેનોન નામનું રસાયણ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ રસાયણનો ઉપયોગ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સના ઉત્પાદન માટેના મુખ્ય રો મટિરિયલ તરીકે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. MD ડ્રગ્સને સામાન્ય ભાષામાં ‘મ્યાઉં મ્યાઉં’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જપ્ત કરાયેલા રસાયણનો જથ્થો કેટલો છે અને તેની ચોક્કસ કિંમત કેટલી છે, તે અંગે સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી.
આ સમગ્ર કાર્યવાહી દિલ્હી અને સુરત DRIની ટીમો દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન ટીમે મકાનમાંથી મળેલા રસાયણો અને અન્ય સામગ્રી કબજે કરી છે. અધિકારીઓ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને મકાનમાં ડ્રગ્સના ઉત્પાદનની કામગીરી ચાલી રહી હતી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ સમગ્ર મામલે DRI દ્વારા તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. જપ્ત કરાયેલા રસાયણના ઉપયોગ, મકાન સાથે જોડાયેલા લોકો અને આ સમગ્ર નેટવર્ક અંગે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓની તપાસ પૂર્ણ થયા બાદ જ ડ્રગ્સની મિની ફેક્ટરી અંગેની સંપૂર્ણ હકીકત અને અન્ય સંડોવાયેલા લોકો વિશે વધુ માહિતી સામે આવી શકે છે. હાલ આ કેસમાં સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
