<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અમદાવાદમાં મધરાત્રે આકાશ ફાટ્યુંઃ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ

બોપલ, શેલા, પાલડીથી નિકોલ-વટવા સુધી મેઘસવારી; અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં

અમદાવાદઃ અહીં ગઈકાલે ગુરુવાર સાંજથી શરૂ થયેલો વરસાદ મોડી રાત્રે વધુ જોરદાર બન્યો હતો. પશ્ચિમથી પૂર્વ અમદાવાદ સુધી અનેક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા.

 

દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ શહેરના અનેક વિસ્તારોમાં સાંજથી વરસાદ શરૂ થયો હતો. રાત્રે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અચાનક જ વરસાદનું જોર વધી ગયું હતું. બોપલ, શેલા, ઘુમા, બોડકદેવ, પકવાન, માનસી સર્કલ, થલતેજ, પાલડી, આશ્રમ રોડ, જોધપુર, વસ્ત્રાપુર, મેમનગર, સરખેજ, મકરબા, નારોલ અને વટવા સહિતના વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

 

જમાલપુર, કાંકરિયા, આસ્ટોડિયા, કાલુપુર, રામોલ, નિકોલ તથા શહેરના પૂર્વ વિસ્તારના કેટલાક ભાગોમાં પણ વરસાદ નોંધાયો હતો. ભારે ઝાપટાંને કારણે નીચાણવાળા રસ્તાઓ ઉપર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

 

ગુરુવારે રાત્રે ૮ વાગ્યા સુધીમાં અમદાવાદમાં સરેરાશ ૭ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. બોપલમાં સૌથી વધુ ૧૬.૫ મિલિમીટર, પાલડીમાં ૧૪, રામોલ અને કાલુપુરમાં ૧૩.૫, થલતેજ અને અસારવામાં ૧૩, મોટેરામાં ૧૨ તથા સરખેજમાં ૧૧.૫ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ મોડી રાત્રે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવા સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

(9:36 AM IST)