News of Tuesday, 6th October 2026
નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી માઇક, લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમને છૂટ રહેશે: અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું
હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા અને કોર્ટ આસપાસના સાઇલન્સ ઝોનમાં પ્રતિબંધ યથાવત રહેશે.: જાણો નિયમો

અમદાવાદ શહેરમાં નવરાત્રી અને દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર કચેરી દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નવરાત્રીના 9 દિવસ અને દશેરાના 1 દિવસ દરમિયાન નિયત શરતો સાથે રાત્રે 12 વાગ્યા સુધી માઇક સિસ્ટમ, લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ માટે છૂટ આપવામાં આવી છે. આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તાર માટે લાગુ રહેશે.
પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે નવરાત્રી દરમિયાન 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધીના નવ દિવસ તેમજ 20 ઓક્ટોબરના દશેરાના દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી માઇક સિસ્ટમ, લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. સામાન્ય રીતે આવા સાધનોના ઉપયોગ પર લાગુ પડતી સમયમર્યાદામાં તહેવારોને ધ્યાનમાં રાખીને આ ખાસ છૂટ આપવામાં આવી છે.
જાહેરનામામાં ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસ આવેલા Silence Area/Zone માં માઇક સિસ્ટમ, લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. એટલે કે તહેવારની છૂટ હોવા છતાં સાઇલન્સ ઝોન માટેના પ્રતિબંધો યથાવત રહેશે. આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી પોલીસ તંત્ર અને સંબંધિત અધિકારીઓની રહેશે.
જાહેરનામાની નકલ સંબંધિત સરકારી કચેરીઓ, પોલીસ અધિકારીઓ અને અન્ય વિભાગોને મોકલવાની સાથે સોશિયલ મીડિયા મારફતે પણ તેનો વ્યાપક પ્રચાર કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને જાહેરનામાની જાણ લોકોને થાય તે માટે નકલ પ્રદર્શિત કરવા પણ જણાવાયું છે.
જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 તથા ગુજરાત પોલીસ અધિનિયમની લાગુ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તેથી ગરબા આયોજકો, પાર્ટી પ્લોટ સંચાલકો તથા અન્ય કાર્યક્રમોના આયોજકોએ સમયમર્યાદા અને સાઇલન્સ ઝોન સહિતના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.
નવરાત્રી દરમિયાન અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. એવા સમયે માઇક અને સાઉન્ડ સિસ્ટમ માટે સમયમર્યાદાની સ્પષ્ટતા થતા આયોજકોને આયોજન કરવામાં સરળતા રહેશે. જોકે રાત્રે 12 વાગ્યા બાદ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવો અથવા સાઇલન્સ ઝોનમાં નિયમોનો ભંગ કરવો કાયદેસરની કાર્યવાહીનું કારણ બની શકે છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
