તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ઠંડીમાં વધઘટ વચ્ચે ૨૬-૨૭મીએ પારો ગગડશેઃ સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીની વધઘટની શક્યતા
વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહીઃ સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન ૧૫થી ૧૮ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવનાઃ ૨૬ અને ૨૭ નવેમ્બરે ઠંડીનો ચમકારો વધશે, મહત્તમ તાપમાન ૩૨થી ૩૨.૫ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં હાલ ઠંડીની તીવ્રતામાં મિશ્ર ચિત્ર જોવા મળી રહ્યું છે. રાજ્યનાં મોટાભાગનાં હવામાન કેન્દ્રો ખાતે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી નીચેથી ૩ ડિગ્રી સુધી ઊંચું નોંધાઈ રહ્યું છે. આગામી ૨૩થી ૩૦ નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં એકંદરે આશરે ૨ ડિગ્રીની વધઘટ થવાની શક્યતા છે. ખાસ કરીને ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ વધી શકે છે.
વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાજ્યનાં મોટાભાગનાં કેન્દ્રો ખાતે મહત્તમ તાપમાન ૩૨થી ૩૨.૫ ડિગ્રીની આસપાસ નોર્મલ મુજબ નોંધાયું હતું. જ્યારે આજે ૨૩ નવેમ્બરે લઘુત્તમ તાપમાનમાં કેન્દ્રવાર વિવિધતા જોવા મળી હતી. અમદાવાદમાં ૧૮.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૨.૯ ડિગ્રી વધુ છે. અમરેલીમાં ૧૫.૪ ડિગ્રી, ભુજમાં ૧૫.૭ ડિગ્રી અને રાજકોટમાં ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં ૧૭.૮ ડિગ્રી અને ડીસામાં ૧૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાન મોટાભાગના દિવસોમાં સામાન્યની આસપાસ અથવા સામાન્ય કરતાં થોડું ઊંચું રહેવાની શક્યતા છે. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. રાજ્યનાં મોટાભાગનાં કેન્દ્રો ખાતે લઘુત્તમ તાપમાન ૧૫થી ૧૮ ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. જોકે કેટલાક દિવસોમાં કેટલાંક કેન્દ્રો ખાતે પારો ૧૪થી ૧૭ ડિગ્રી સુધી પણ રહી શકે છે.
વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં ફરી વધઘટ જોવા મળી શકે છે. આમ, આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ એકંદરે સામાન્ય વધઘટ સાથે જળવાઈ રહેવાની શક્યતા છે.(૩૮
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
