News of Saturday, 23rd May 2026
પશુપાલકોને મોટો ઝટકો: પશુદાણના ભાવમાં તોતિંગ વધારો: અમુલે 50 કિલોની ગુણી પર ₹150 સુધીનો ભાવ વધારો ઝીક્યો
દૂધના વધેલા ભાવનો જે ફાયદો મળે એ હવે પશુ દાણના વધેલા ભાવ ખાઈ ગયા:પશુ આહારમાં કરાયેલ અચાનક અને મોટા વધારાને કારણે પશુપાલન વ્યવસાયનો ખર્ચ સીધો વધી ગયો

આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા પશુપાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમૂલ દ્વારા તાજેતરમાં દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની સાથે જ પશુ આહાર એટલે કે દાણના ભાવમાં પણ મોટો વધારો જાહેર કરવામાં આવતા પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પશુ આહારના વધેલા ભાવોને કારણે તેમના પર આર્થિક બોજમાં વધારો થયો છે. અમૂલના આ નવા ભાવ આજથી જ અમલમાં આવી ગયા છે.
અમૂલ દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ મુજબ વિવિધ પ્રકારના પશુ આહારમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને પશુપાલકોમાં સૌથી વધુ વપરાતી 'બફેલો સ્પેશિયલ' 50 કિલોની ગુણીમાં જૂના ભાવ ₹1815 ના બદલે હવે ₹1965 કરવામા આવ્યા છે, એટલે કે સીધો ₹150 નો વધારો થયો છે. તે જ રીતે, 'સુપ્રીમ માસ્ટર' 50 કિલોની ગુણીમાં ₹150 નો વધારો થતા નવો ભાવ ₹1980 થયો છે. 'સુપ્રીમ ગોલ્ડ' 30 કિલોની ગુણીમાં ₹105 નો વધારો, 'પાવર દાણા' 70 કિલોની ગુણીમાં ₹140 નો વધારો અને 'વાછરડા દાણા' 25 કિલોની ગુણીમાં ₹91 નો વધારો કરવામાં આવ્યો છે.
પશુપાલકોનું કહેવું છે કે, "દૂધના વધેલા ભાવનો જે ફાયદો મળવો જોઈતો હતો, તે હવે પશુ દાણના વધેલા ભાવ ખાઈ ગયા છે." પશુ આહારમાં કરવામાં આવેલા આ અચાનક અને મોટા વધારાને કારણે પશુપાલન વ્યવસાયનો ખર્ચ સીધો વધી ગયો છે. મોટાભાગના પશુપાલકોએ જણાવ્યું હતું કે, ઘાસચારા અને પશુ આહારના મોંઘા ભાવને કારણે દૂધ ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના સામે વળતર ઓછું મળી રહ્યું છે. પશુપાલકોમાં હવે એવી ચિંતા સેવાઈ રહી છે કે, જો સતત આ રીતે ખર્ચ વધતો રહેશે તો તેમના માટે આ વ્યવસાય કરવો મુશ્કેલ બની જશે.
દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા ખેડૂતો અને પશુપાલકો માટે આ ભાવ વધારો એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે. અમૂલ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી નાનાં પશુપાલકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે, જેમની આવકનો મુખ્ય સ્ત્રોત જ દૂધ વેચાણ છે. પશુપાલકો હવે એવી આશા રાખી રહ્યા છે કે, વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને તંત્ર આ બાબતે પુનઃવિચાર કરે જેથી પશુપાલન વ્યવસાયને ટકાવી શકાય. હાલમાં તો આ ભાવ વધારાને કારણે સમગ્ર જિલ્લાના પશુપાલન ક્ષેત્રે આર્થિક બોજનો અહેસાસ થઈ રહ્યો છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
