<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

ધોળકામાં પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે મહેસાણાનું સ્ટાર્ટઅપ 'પ્રાઈમ યુએવી' આશાનું કિરણ બન્યું : ડ્રોન ટેકનોલોજી દ્વારા રાત્રિના અંધારામાં જીપીએસ લોકેશન ટ્રેકિંગ કરી માસુમ બાળકો અને નાગરિકોનું રેસ્ક્યૂ કરાયું

પાણીમાં ગરકાવ દુર્ગમ વિસ્તારોમાં બોટ અને ટ્રેક્ટર મારફતે પહોંચેલી ટીમે હવામાંથી ફૂડ પેકેટ્સ અને પીવાનું પાણી પહોંચાડી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું : વહીવટી તંત્ર સાથે મળીને ૨૪×૭ કામગીરી

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદના કારણે સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિમાં વહીવટી તંત્રની સાથે હવે આધુનિક ટેકનોલોજી પણ મદદે આવી પહોંચી છે. જિલ્લાના ધોળકા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વિવિધ વિસ્તારોમાં તેમજ શાળાઓમાં બાળકો અને સ્થાનિક નાગરિકો ફસાઈ ગયા હતા. આ કટોકટીની સ્થિતિમાં ફસાયેલા માસુમ બાળકો અને નાગરિકોને સલામત રીતે બહાર કાઢવા તેમજ તેમના સુધી તાત્કાલિક જીવનજરૂરી મદદ પહોંચાડવા માટે મહેસાણા સ્થિત સ્ટાર્ટઅપ 'પ્રાઈમ યુએવી' ની વિશેષ નિષ્ણાત ડ્રોન રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે રવાના થઈ હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી.

 

 ટ્રેક્ટર અને હોડી મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોન સિસ્ટમ પહોંચાડાઈ:

પૂરના પાણી ઘૂંટણસમાથી પણ વધુ ઊંડા હોવાના કારણે સામાન્ય વાહનો જઈ શકે તેમ ન હતા. આવી વિકટ પરિસ્થિતિમાં 'પ્રાઈમ યુએવી' ની ટીમે સ્થાનિક તંત્ર અને રાહત ટીમો સાથે મળીને ટ્રેક્ટર તેમજ બોટ (હોડી) મારફતે પોતાના અત્યાધુનિક ડ્રોન અને ઓપરેટિંગ સિસ્ટમને પૂરગ્રસ્ત વિસ્તારના મુખ્ય પોઈન્ટ સુધી પહોંચાડ્યા હતા.

 

 રાત્રિના અંધારામાં સર્વેલન્સ અને જીપીએસ ટ્રેકિંગથી રેસ્ક્યૂને વેગ મળ્યો:

ઘટનાસ્થળે પહોંચેલી ટીમે દિવસ-રાત જોયા વિના સતત કામગીરી હાથ ધરી હતી. રાત્રિના ઘનઘોર અંધારામાં પણ વિઝિબિલિટી ધરાવતા સર્વેલન્સ અને રેસ્ક્યૂ ડ્રોન આકાશમાં ઉડાડીને ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી.

 GPS લોકેશન ટ્રેકિંગ: પૂરના પાણીમાં ફસાયેલા લોકો અને બાળકોનું ચોક્કસ લોકેશન ડ્રોનના જીપીએસ અને કેમેરા ટ્રેકિંગ દ્વારા ત્વરિત શોધી કાઢવામાં આવ્યું હતું.

 હવાઈ સર્વેલન્સ: સમગ્ર ધોળકા પૂરગ્રસ્ત વિસ્તાર તેમજ પાણીમાં ગરકાવ થયેલા રસ્તાઓ અને મકાનોની સ્થિતિ પર લાઈવ નજર રાખવામાં આવી હતી, જેથી રેસ્ક્યૂ બોટ અને એનડીઆરએફ સહિતની સ્થાનિક ટીમોને સાચો માર્ગ દર્શાવી શકાય.

 કસ્ટમ પેલોડ બોક્સથી રાશન વિતરણ: ડ્રોન નીચે ખાસ તૈયાર કરાયેલા સુરક્ષિત કસ્ટમ બોક્સમાં પીવાનું શુદ્ધ પાણી અને વોટરપ્રૂફ પેકિંગ ધરાવતા ફૂડ પેકેટ્સ મુકીને જે વિસ્તારોમાં બોટ કે ટ્રેક્ટર સીધા પહોંચી શકતા ન હતા, ત્યાં હવામાંથી જ સલામત રીતે સામગ્રી પહોંચાડવામાં આવી હતી.

 

 સામાજિક જવાબદારી અને નિઃસ્વાર્થ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ:

સામાન્ય રીતે આ સંસ્થા પોતાના ડ્રોનનો ઉપયોગ ફોરેસ્ટ તેમજ એગ્રીકલ્ચરમાં વાવણી, મચ્છર નિયંત્રણ, પાણી ભરેલ સ્થળ શોધવા અને ડેન્ગ્યુ-મલેરિયાની દવાનો છંટકાવ કરવા માટે કરે છે. પરંતુ ધોળકામાં અતિવૃષ્ટિની તાકીદની પરિસ્થિતિમાં સંસ્થાએ પોતાની સેવાઓને પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને વહીવટી તંત્રની મદદ કરવા માટે સ્વૈચ્છિક રીતે ડાયવર્ટ કરી હતી. આ સમગ્ર ઓપરેશન 'પ્રાઈમ યુ.એ.વી.' ના કર્મીઓ દ્વારા કોઈપણ વ્યાવસાયિક સ્વાર્થ વગર હાથ ધરવામાં આવ્યું હતું.

આ કામગીરી અંગે 'પ્રાઈમ યુએવી' ના ફાઉન્ડર અને સીઈઓ પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, "આપત્તિના સમયે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ લોકોના જીવ બચાવવા માટે થાય એ જ અમારી ટેકનોલોજીની સાચી સફળતા છે. ધોળકામાં બાળકો અને નાગરિકો પૂરના પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં જ અમારી ટીમે ડ્રોન સાથે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી હતી. માનવતાની આ સેવા કરવાનો અમને ગર્વ છે."

 

 ૨૦૧૯થી કાર્યરત અને કેન્દ્ર સરકારથી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ:

વર્ષ ૨૦૧૯માં મહેસાણા ખાતે શરૂ થયેલી 'Prime UAV' એ કેન્દ્ર સરકારના DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે ઝડપથી ઊભરતું સ્ટાર્ટઅપ છે. કંપની ગ્રાહકોની જરૂરિયાત મુજબના કસ્ટમાઇઝ્ડ ડ્રોન પ્રોડક્ટ્સ તેમજ સર્વેલન્સ, મેપિંગ અને રેસ્ક્યૂ ઓપરેશન માટેની સેવાઓ પૂરી પાડે છે.

ધોળકા ખાતેની આ બચાવ કામગીરીમાં સંસ્થાના પ્રદીપ પટેલ, હિતેન પટેલ તથા ગ્રાઉન્ડ ટીમમાં ઓપરેશન હેડ યાજ્ઞિક લખતરિયા અને તેમની ટીમના સભ્યો રાહુલ, દીપક અને હર્ષિલ પટેલે સતત વહીવટી તંત્ર સાથે રહીને સરાહનીય કામગીરી બજાવી હતી. (આલેખન: મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)

(3:11 PM IST)