<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

​મહેસાણામાં મહિલા કોન્સ્ટેબલની સૂઝબૂઝથી યુવકનો જીવ બચ્યો: ચોથા માળેથી કૂદવા ગયેલા યુવક સાથે ૧ કલાક વાતચીત કરી નીચે ઉતાર્યો

​મોઢેરા ચોકડી નજીક હબ ટાઉન બિલ્ડિંગનો બનાવ: ‘એક ભૂલથી જીવ જઈ શકે તેમ હતો’ – માનસિક તણાવમાં આવેશમાં આવી ગયેલા યુવકનું પોલીસ સ્ટેશને કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપાયો

​મહેસાણા: મહેસાણા શહેરના મોઢેરા ચોકડી નજીક આવેલા 'હબ ટાઉન' સંકુલમાં મોડી રાત્રે એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. માનસિક તણાવમાં આવીને સંકુલના 'J' બ્લોકના ચોથા માળેથી કૂદીને આપઘાત કરવા ચડેલા ૨૨ વર્ષીય યુવકને મહેસાણા પોલીસની મહિલા કોન્સ્ટેબલની સમયસૂચકતા અને સૂઝબૂઝના કારણે નવજીવન મળ્યું છે. મહિલા પોલીસકર્મીએ સતત એક કલાક સુધી યુવક સાથે વાતો કરી તેને ભળાવ્યો હતો અને તક મળતાં જ તેને સહીસલામત બચાવી લીધો હતો.

​બનાવની વિગતો:

મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની નાગલપુર પોલીસ ચોકીની ૧૧૨ નંબરની પીસીઆર વાનને વર્ધી મળી હતી કે એક યુવક હબ ટાઉન સંકુલના ચોથા માળે ગેલેરીની રેલિંગ પર બેસીને નીચે કૂદવાની ધમકી આપી રહ્યો છે. બનાવની ગંભીરતા જોઈને ૧૧૨ મોબાઇલના મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેન તથા પોલીસ કોન્સ્ટેબલ ચંદનસિંહ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

​૧ કલાક સુધી સંવાદ અને રેસ્ક્યૂ ઓપરેશન:

યુવક કોઈ પણ ક્ષણે કૂદકો મારી દે તેમ હોવાથી મહિલા કોન્સ્ટેબલ રિંકુબેને અત્યંત ધીરજ અને માનસિક સૂઝબૂઝ દાખવી હતી. તેમણે યુવક ગભરાય નહીં તે રીતે થોડા અંતરે રહીને તેની સાથે વાતો કરવાનું શરૂ કર્યું હતું. ૧ કલાક સુધી ચાલેલી વાતો દરમિયાન જાણી શકાયું હતું કે યુવકનું નામ જીગર ઠાકોર (ઉં.વ. ૨૨, મૂળ મોડાસા, હાલ દેદિયાસણ) છે અને તે કૌટુંબિક/અંગત કારણોસર ભારે તણાવમાં હતો.

​સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ અને યુવકના માતા-પિતા પણ પહોંચી ગયા હતા. યુવક કૂદવાની તૈયારીમાં હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલે તેને વાતોમાં પરોવી રાખ્યો હતો. જેવો યુવકનું ધ્યાન થોડું ભટક્યું, તરત જ પાછળથી ફાયરમેન અને પોલીસ ટીમે ત્રાટકીને યુવકને પકડી લીધો હતો અને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધો હતો.

​"એક ભૂલથી જીવ જઈ શકે તેમ હતો":

ઘટના બાદ બી-ડિવિઝન પી.આઈ. ગઢવીએ જણાવ્યું હતું કે, યુવક ખૂબ જ આવેશમાં હતો અને એક નાની ભૂલ કે નજરચૂકથી તેનો જીવ જઈ શકે તેમ હતો. પરંતુ અમારી પોલીસ ટીમ અને મહિલા કોન્સ્ટેબલે ૧ કલાક સુધી તેને વાતોમાં રાખી ધૈર્યપૂર્વક કામ લીધું હતું. રેસ્ક્યૂ બાદ યુવકને બી-ડિવિઝન પોલીસ સ્ટેશને લાવી ચા-નાસ્તો કરાવી શાંત પાડવામાં આવ્યો હતો અને તેના માતા-પિતાની હાજરીમાં યોગ્ય કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

(4:43 PM IST)