<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

મહેસાણા-રાજસ્થાન હાઈવે પર ભયાનક અકસ્માત:રોંગ સાઈડમાં ધસી આવેલી લક્ઝરી બસે ટ્રકને ટક્કર મારતા બે લોકોના મોત :13 ઘાયલ

રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જતી હતી: લક્ઝરી બસ અચાનક રોંગ સાઈડમાં આવી ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ

મહેસાણા-રાજસ્થાન હાઈવે પર ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોટી દાઉ ગામ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલી એક ખાનગી લક્ઝરી બસે ટ્રકને જોરદાર ટક્કર મારતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 13 થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. રાત્રે અંદાજે ૩ વાગ્યાના સુમારે જ્યારે આ ટ્રક મહેસાણાના મોટી દાઉ પાસે પહોંચી, ત્યારે અમદાવાદ તરફ જતી એક લક્ઝરી બસ અચાનક રોંગ સાઈડમાં ધસી આવી હતી. બસની રફ્તાર એટલી તેજ હતી કે તે ડિવાઈડરકૂદીને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસ ટ્રકને અથડાયા બાદ રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.

 

આ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બસમાં સવાર અન્ય 13 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

 

ટ્રકના ડ્રાઈવર તુલસીરામે સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, બસ ચાલકે અચાનક રોંગ સાઈડમાં આવીને ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.

 

(1:31 PM IST)