તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
મહેસાણા જિલ્લા કોંગ્રેસની મોટી કાર્યવાહી :પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 33 સભ્યો અને પદાધિકારીઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા આ સસ્પેન્શનનો સત્તાવાર આદેશ જારી: સસ્પેન્ડ કરાયેલા સભ્યોની યાદીમાં ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડી. ટી. ઝાલા જેવા મોટા માથાઓના નામ પણ સામેલ

મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિએ આંતરિક વિખવાદને લઇ ઉમેદવારોને નુકસાન પહોંચાડવાના ગંભીર આક્ષેપોસર 33 જેટલા સભ્યો અને પદાધિકારીઓને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. આ આકરા નિર્ણયથી સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા આ સસ્પેન્શનનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ તમામ 33 આગેવાનોને આગામી ૬ વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોની યાદીમાં ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડી. ટી. ઝાલા જેવા મોટા માથાઓના નામ પણ સામેલ છે, જે પક્ષમાં તેમનું કદ દર્શાવે છે. આ આખી કાર્યવાહીની વિગતવાર નકલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકને પણ આગળની જાણકારી માટે રવાના કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા લેવાયેલા આ આકરા પગલાની અસર મહેસાણા, વડનગર, વિસનગર, ખેરાલુ અને ઊંઝા પંથકના સ્થાનિક સંગઠનો પર સીધી જોવા મળી રહી છે. આંતરિક રીતે પક્ષને નુકસાન પહોંચાડતા તત્વોને આડકતરો અને સ્પષ્ટ સંદેશ આપવા માટે બળદેવજી ઠાકોરે શિસ્તભંગ બદલ આ મોટી તવાઈ બોલાવી છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
