<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કડીમાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા: રાજકારણમાં ગરમાવો

35 વર્ષના રાજકીય સંઘર્ષને યાદ કરી તેમણે યુવાનોને આગળ વધવા અને સંગઠિત થવા આહ્વાન કર્યું :તેમણે "છોકરાઓને ભણાવવામાં કચાશ ન રાખવા" ખાસ અપીલ કરી પોતે સલાહકાર સમિતિમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરતાં સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી

મહેસાણા જિલ્લાના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. કડી ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં તેમણે આપેલા નિવેદન બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બળદેવજી ઠાકોરે સક્રિય ભૂમિકામાંથી મુક્ત થઈને હવે પક્ષ અને સમાજની સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી દર્શાવી છે. તેઓ આગામી સમયમાં યુવા નેતાઓને આગળ કરીને પોતે એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવવા ઈચ્છે છે, જે દર્શાવે છે કે તેઓ હવે નવી પેઢીને તક આપવા મક્કમ બન્યા છે.

કડીમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા બળદેવજી ઠાકોરે ભાવુક અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે મંચ પરથી ખુલ્લા મનથી સ્વીકાર્યું કે, "બહુ રાજકારણ કર્યું, હવે અમે તમારી પાછળ છીએ." આ વાક્ય દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તેઓ ચૂંટણીલક્ષી કે સક્રિય પદની દોડમાં રહેવા માંગતા નથી. આ તકે તેમણે પોતાના જીવનના છેલ્લા ૩૫ વર્ષના લાંબા રાજકીય અનુભવ અને પક્ષ તેમજ સમાજ માટે કરેલા સંઘર્ષને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જાહેર જીવનમાં લાંબો સમય વિતાવ્યા બાદ હવે સમય પાકી ગયો છે કે નવી લીડરશિપ તૈયાર થાય.

પોતાના સંબોધનમાં પૂર્વ ધારાસભ્યએ માત્ર રાજકારણની વાત ન કરતા, સમાજના ઉત્થાન માટે યુવાનોને ખૂબ જ મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે સમાજના યુવાનોને આહ્વાન કર્યું કે, "તમારા જેવા યુવાનોને આગળ કરી સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી છે. તમે આગળ વધો અમે તમારી પાછળ છીએ. તમે બધાં સંગઠિત બનો." આ સાથે શિક્ષણનું મહત્વ સમજાવતા તેમણે ભાવુક અપીલ કરી કે, "છોકરાઓને ભણાવવામાં કોઈ કચાશ ના રાખશો." વર્તમાન સમયમાં પ્રગતિ કરવા માટે શિક્ષણ સૌથી મોટું શસ્ત્ર છે. બળદેવજી ઠાકોરે જણાવ્યું કે જો યુવાનો શિક્ષિત અને સંગઠિત હશે, તો સમાજ આપોઆપ મજબૂત બનશે. તેમના આ અણધાર્યા નિવૃત્તિના સંકેતો આપતા નિવેદનથી સમગ્ર મહેસાણા જિલ્લાના અને ઉત્તર ગુજરાતના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી અટકળો તેજ થઈ છે.

(8:05 PM IST)