<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

મહેસાણા કોર્ટનો દાખલારૂપ ચુકાદો :ત્રિપલ તલાક આપનારા પતિને કોર્ટે એક વર્ષની કેદ અને દંડ ફટકાર્યો

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને પુરાવાઓને ધ્યાને રાખીને ઇમરાન મન્સૂરીને દોષિત ઠેરવ્યો

મહેસાણાની જ્યુડિશિયલ કોર્ટે મહિલાઓના અધિકારોના રક્ષણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ હેઠળ, પત્નીને ગેરકાયદેસર રીતે ત્રિપલ તલાક આપનારા પતિને કોર્ટે એક વર્ષની કેદ અને દંડની સજા ફટકારી છે. આ કેસ સામાજિક ન્યાય અને કાયદાકીય મજબૂતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

 

આ કેસની વિગત મુજબ, જાન્યુઆરી ૨૦૨૪માં મહેસાણામાં રહેતા ઇમરાન મન્સૂરીએ તેની પત્ની રિઝવાનાબાનું સાથે ઝઘડો કરી, તેને શારીરિક માનસિક ત્રાસ આપીને 'તલાક તલાક તલાક' કહી સંબંધ તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ પત્નીને બે માસૂમ બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. આ અન્યાય સામે લડત આપતા રિઝવાનાબાનુંએ મહેસાણા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મહેસાણાની જ્યુડિશિયલ કોર્ટમાં ચાલતા, ફરિયાદી પક્ષના વકીલ ઉજાસ યાજ્ઞિક દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકને ગુનો જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, આવા કિસ્સાઓ મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડે છે.

 

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને પુરાવાઓને ધ્યાને રાખીને ઇમરાન મન્સૂરીને દોષિત ઠેરવ્યો હતો. નામદાર કોર્ટે આરોપીને એક વર્ષની જેલની સજા અને અલગ-અલગ કલમો હેઠળ કુલ રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય, તો તેણે વધુ બે માસની સજા ભોગવવી પડશે તેવો પણ આદેશ કરાયો છે. 

(8:27 PM IST)